કાયદાનું પાલન કરનારાએ જ કાયદાનો ભંગ કર્યો એ વાતને પોલીસ કમિશનરે અત્યંત ગંભીરતાથી ધ્યાને લઈ તપાસનો આદેશ કર્યો છે.ટ્રાફિક શાખાના એસીપી અશોકસિંહ ચૌહાણે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી જેમાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું.સામાજિક અંતર પણ જાળવ્યું ન હતું.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
લાજવાને બદલે ગાજેલા અશોકસિંહે સી.આર. પાટિલનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેની નીચે લખ્યું ભડના દીકરા હો તો આ ફોટો વાયરલ કરો.આ બન્ને વાતને કેન્દ્રમાં રાખી પોલીસ કમિશનરે ટ્રાફિક શાખાના ડીસીપીને તપાસ કરવાનો આદેશ કર્યો છે.ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મદદનીશ પોલીસ કમિશનર અશોકસિંહ પી. ચૌહાણનો ગયા સોમવારે જન્મ દિવસ હતો.જેની ઉજવણી દિલ્હી ગેટ ફ્લાય ઓવર બ્રિજ નીચે જાહેરમાં કરી હતી.જેમાં ચાર-પાંચ યુવતી સહિત દસ બાર લોકો હાજર હોવાનો વીડિયો વાયરલ થયો હતો.જન્મ દિવસની ઉજવણીમાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું.વળી, સામાજિક અંતર પણ જાળવ્યું ન હતું.
આ વીડિયો વાયરલ થતાંની સાથે જ એ.પી. ચૌહાણને સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.પરિણામે તેણે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટિલની ઓફિસે શુભેચ્છા મુલાકાતે ગયેલા લોકો સાથે પાટિલે પડાવેલો ફોટો વાયરલ કર્યો હતો.જેની નીચે લખ્યું હતું કે આજનો છે.ભડના દીકરા હો તો આ વાયરલ કરો.આ બન્ને વસ્તુ પોલીસ કમિશનરના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક અસરથી તપાસનો આદેશ જારી કર્યો હતો.
બન્ને કિસ્સાની તપાસ કરશે : પોલીસ કમિશનર
આ બાબતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે બન્ને કિસ્સાની તપાસ કરવાનો ટ્રાફિક શાખાના ડીસીપી શુંબેને આદેશ કર્યો છે.જન્મ દિવસની ઉજવણી વખતે ચૌહાણ રજા પર હતા.
વધુ એક વખત સુંબેએ ફોન રિસિવ ન કર્યો
આ બાબતે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર પ્રશાંત શુંબેનો ટેલિફોનિક સંપર્ક કરવાના વારંવારના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.કારણ કે તેમણે તેમની આદત મુજબ ફોન રિસિવ કરવાની તસ્દી લીધી ન હતી.પરિણામે પોલીસ કમિશનરનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.