કોરોના વાયરસની મહામારીના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે અને ૩૧મી માર્ચ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરાઈ છે. કોરાનાનાં કારણે સુરત શહેરમાં જાહેર સ્થળો તથા ખાનગી સ્થળોએ મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા પ્રમાણે કોઈ પણ સ્થળે લોકોને ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવા દેવામાં આવશે નહીં. આ હુકમનું પાલન નહીં કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો સુરતના પોલીસ કમિશનર રાજેશ બ્રહ્મભટ્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં ઈન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ ફૈયાઝુદ્દીન દાદામીયાં શેખ(લાતુરી)એ જાહેરાનામાનો ભંગ કરી લોકોને ઉશ્કેરણીજનક ભાષણ આપી માનવજીવનના આરોગ્યને ભયમાં મૂકી બખેડો થાય તેવો પ્રયાસ કરી હુકમનામાનું પાલન કર્યું નથી.પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ લોકોમાં ભય અને ગભરાટ પેદા થાય તેવા આશયથી ખોટી અફવા ફેલાવતી ઓડિયો કિલપ તૈયાર કરી વ્હોટસઅપ પર પ્રસિદ્વ કરી હતી.આને સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનને મૌલાના ફૈયાઝ લાતુરી વિરુદ્વ ઈપીકો કલમ ૧૮૮,૧૮૬, ૫૦૫(૧)(ખ) મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.