– કર્ફ્યૂ લાગી ગયો હોવા છતાં મોડી રાત સુધી જમણવાર ચાલ્યો
– પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી 10ની અટકાયત કરી
સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે.સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે.લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે.મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે.કર્ફ્યૂનો સમય લાગી ગયા બાદ પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો,જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી છે.
મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.મળતી માહિતી મુજબ, પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી.બૂટલેગરની સામે પોલીસે પગલાં લીધા છે અને ધરપકડ કરી છે.તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો.ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે.પાંડેસરા વિસ્તારમાં કર્ફ્યૂના સમયે લોકો મોટી સંખ્યામાં લગ્નમાં એકત્રિત થયા હતા.સવાલ એ ઊભો થાય છે કે શું આયોજનની કોઇ પરમિશન પોલીસ પાસે લેવામાં આવી હશે ખરી અને જો લેવામાં આવી હશે તો એના માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હશે.પરમિશન ન પણ લેવામાં આવી હોય,તો કર્ફ્યૂ સમયે પણ પ્રસંગ ચાલુ ન રહે એની ખાસ કાળજી આયોજકોએ રાખવી જોઈએ,પરંતુ લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે,જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.બે દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે.કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે.સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં,છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.


