સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAPના નગરસેવકો અને કાર્યકર્તાઓ ઝાડુ સાથે સફાઈ કરવા ઉતર્યા

HM News
2 Min Read

સુરત : પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ,નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં.ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે.ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી.તેના કારણે પુણા,લિંબાયત,પરવત ગામ,પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં.જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી.પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે,પરંતુ આ વર્ષે તે કામગીરી પણ પૂર્ણ થઈ નથી.

આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી.આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.

ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ચોમાસા દરમિયાન ઊભા થતાં હોય છે.તેમજ સામાન્ય દિવસોમાં પણ આ વિસ્તારની અંદર મુશ્કેલી ઊભી થાય છે.ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે.જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે.તેમજ અમુક જગ્યાએ એટલી હદે ગંદકી ભેગી થઈ ગઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં પાણીનો અટકાવ થવાના લીધે પાણી બહાર આવીને સોસાયટીઓમાં પણ પ્રવેશી જાય છે.

આપના નગરસેવક પાયલ પટેલ જણાવ્યુ કે, મારા વિસ્તાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે.ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવી ત્યાર બાદ સંકલન મિટિંગમાં પણ અમે લોકો એ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *