– અનેક ચેક ડેમોમાં પોલાણ થતા ખેડૂતો પાણીનો ઉપયોગ કરવાથી વંચીત રહેશે
સુરત : સુરત જિલ્લાના મહુવા તાલુકામાં લાખોના ખર્ચે બનેલ ચેકડેમોમાં મરામતના અભાવે ભંગાણ સર્જાયું છે.જે ચેકડેમોમાં ચોમાસાના સમયે પાણી સંગ્રહ કરવા માટે લાખોના ખર્ચે બનાવવામાં આવે છે.પરંતુ મોટાભાગના ચેકડેમો નીચેથી પોલા થયા હોવાથી ચોમાસાનું પાણી વેડફાય રહ્યું છે.પાણીનો સંગ્રહ ન થવાને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે.તો બીજી,તરફ તંત્રની બેદરકારીના પગલે ખેતી માટે ચોમાસા બાદ પાણીની મોટી સમસ્યા ઉભી થશે.
રજૂઆત બાદ પણ કામ ન થયા
આદિવાસી વિસ્તાર એવા મહુવા તાલુકામાં પાણીની સુખાકારી માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે.મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ, અંબિકા અને પૂર્ણા નદી ઉપર ઘણા ચેકડેમો બનાવાય છે.ચેકડેમો તો બનાવાયા પરંતુ, આજે ચેકડેમની સ્થિતિ એવી છે કે,પાણીનું એક ટીપું સંગ્રહ ન થઈ શકે.હાલ થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, અને વિધિવત ચોમાસાની શરૂઆત પણ થઈ છે.રજૂઆતને આખું વર્ષ વીતી જવા છતાં સ્થાનિક વહીવટી તંત્રને ચેકડેમોના ભંગાણનું સમારકામ કરાવ્યું નથી.
80 ટકા ચેકડેમની હાલત કથળી
મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો આવેલા છે.જે ચેકડેમો વલવાડા,પુના,વસરાઈ,ભગવાનપુરા,શામબા,ભોરિયા અને વેલનપુરના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે.અંબિકા નદી પર બનેલ ચેકડેમોની વાત કરીએ તો વહેવલ,મહુવારીયા,હળડવા અને ઉમરા ગામના ખેડૂતોને પાણી પૂરું પાડે છે.પરંતુ 80 ટકા જેટલા ચેકડેમો માત્ર જોવા પૂરતા જ છે,તમામ ચેકડેમોમાં નીચેથી ભંગાણ થતા પાણીનો સંગ્રહ થતો નથી અને હાલ ચાલુ ચોમાસે ઉનાળા જેવી સ્થિતિ તમામ નદીઓમાં જોવા મળી હતી,જે બાબતે વારંવાર ખેડૂતોએ સ્થાનિક તંત્રને રજૂઆતો કરી હતી અને ચોમાસુ આવી જવા છતાં કોઈ નિરાકરણ તંત્ર દ્વારા લવાયું નથી.
સ્થાનિક ખેડૂત નવીનભાઈ પટેલે જણાવ્યું કે, અમારા ખેડૂતો આ ચેકડેમને કારણે પાણીનો ઉપયોગ કરી શકે છે.હાલ સ્થિતિ એવી છે કે, ચેકડેમના બંને ખેડાય પાણી રોકી શકાતું નથી.પહેલી દૃષ્ટિએ જોઇએ તેવું લાગે કે ખૂબ જ મજબૂત ચેકડેમ બનાવ્યો છે.પરંતુ આ ચેકડેમની અંદરના પોલાણમાં અને બંને છેડાની અંદર જે જર્જરિત સ્થિતિ થઈ છે તેના કારણે પાણીનો સંગ્રહ થઇ શકતો નથી.વારંવાર સંબંધિત અધિકારીઓ અને નેતાઓને મૌખિકમા જાણ કર્યા બાદ પણ અમારા પ્રશ્નોના નિકાલ નથી આવ્યો. ખેડૂત પ્રવીણભાઇ પટેલે જણાવ્યું કે, ચોમાસામાં આ પ્રકારની સિદ્ધિ છે તો ત્યારબાદ કયા પ્રકારે પાણીનો સંગ્રહ થતો હશે તે સમજી શકાય છે.સરકારી વિભાગોના ખાતામાં પ્રજાના પૈસા ખર્ચાયેલા ચેકડેમોની લાંબી યાદી છે.પરંતુ ચેકડેમો ઉપયોગમાં આવે તેવી સ્થિતિમાં નથી.જો આ રીતે પાણીનો સંગ્રહ થાય તો ખેડૂતોની જે ચિંતાજનક થશે.