સુરત : રાજ્યમાં રસ્તા પર દોડતા વાહનોમાં ક્યારેક અચાનક આગ ભભૂકી ઊઠી હોવાની ઘટનાઓ સામે આવી છે.કેટલીક ઘટનાઓમાં લોકોના મોત થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.ત્યારે એક વાહનમાં આગ લાગવાની ઘટના સુરતમાં સામે આવી હતી.વડોદમાં એક વાનમાં CNG પુરાવ્યા બાદ જ્યારે વાન પેટ્રોલ પંપ બહાર નીકળી રહ્યું હતું તે સમયે વાનમાં એકાએક આગ લાગી હતી.જોકે આ ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો છે.ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ત્યારબાદ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
સુરતના વડોદ ગામ નજીક આવેલા એક પેટ્રોલપંપની અંદરથી ઈન્દ્રવદન શાહ નામના વ્યક્તિ તેમની વાન લઈને નીકળી રહ્યા હતા.જેવા તેઓ વાન લઇને પેટ્રોલપંપની બહાર આવ્યા હતા તે સમયે કોઈ કારણોસર વાનમાં આગ ભભૂકી ઉઠી હતી.આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ત્યારબાદ ઈન્દ્રવદન શાહ તેમનો જીવ બચાવવા માટે વાહનની બહાર આવી ગયા હતા.વાનમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ સવારના સમયે ફાયર વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી.તેથી ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ વાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જે સમયે ઘટના બની તે સમયે વાહનના માલિક ઈન્દ્રવદન શાહ સમય સૂચકતા વાપરીને વાનની બહાર આવી ગયા હતા.તેથી તેમનો બચાવ થયો હતો.આ બાબતે ઇન્દ્રવદન શાહે જણાવ્યું હતું કે, તેઓ અંકલેશ્વરમાં EWS આવાસમાં પેટા કોન્ટ્રાક્ટર છે અને તેમનું વાહન લઇને અંકલેશ્વર જવા માટે ઘરેથી નીકળ્યા હતા.તેમણે જ્યારે પેટ્રોલપંપની બહાર તેમનું વાહન કાઢ્યું ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી.તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભેસ્તાન ફાયરના જવાનો સમયસર ઘટના સ્થળે દોડી આવતા આગ કાબુમાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે, તેમની વાન છેલ્લા ચાર દિવસથી બંધ હતી અને CNG ભર્યા બાદ તેઓ પેટ્રોલપંપ પર ગયા હતા અને ત્યારબાદ વાનમાં શોર્ટસર્કિટ થયો.જોકે એવું પણ હોઈ શકે છે કે, ઉંદરોએ વાનમાં ઘૂસીને તેનું વાયરીંગ કાપી નાખ્યું હોય અને આ જ કારણે આ ઘટના બની હોય શકે છે.


