સુરત,તા.11 જાન્યુઆરી 2023,બુધવાર : સુરતના વરાછા વિસ્તારમાં રહેતા આધેડને ફેસબુક પર મિત્રતા કરી મળવા બોલાવી મહિલા સહિતની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.યુવકને માર મારી વીડિયો વાયરલ કરવાની તેમજ રેપના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 16.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.બનાવ અંગે યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે 4 મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આધેડ જવેલર્સની કંપનીમાં નોકરી કરે છે. 7 ડીસેમ્બરના રોજ તેઓના ફેસબુક પર એક મહિલાના એકાઉન્ટમાંથી મેસેજ કર્યો હતો.બાદમાં વાતચીત કરી હતી.આધેડ અને મહિલા વચ્ચે એક બે દિવસ ચેટીંગ થઇ હતી.મહિલાએ તેને વીડિયો કોલ કરી તે સુરત ખાતે રહેતી હોવાનું જણાવ્યું હતું.બીજા દિવસે ફરીથી વીડિયો કોલ કરી આધેડને સીતાનગર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો.દરમિયાન આધેડ મળવા જતા મહિલા પણ ત્યાં તેને મળવા આવી હતી અને તેની બાઈક પર બેસી આધેડને નજીકમાં આવેલી હરીધામ સોસાયટી પાસે એક મકાનમાં લઇ ગઇ હતી.
મહિલાએ આધેડને આ મારી માસીની રૂમ છે તેમ જણાવ્યું હતું.બાદમાં રૂમમાં લઇ જઈ આધેડના કપડા કાઢવા લાગી અશ્લીલ હરકતો કરતી હતી.તે સમયે રૂમને ધક્કો મારી બે ઈસમો અંદર આવ્યા હતા અને એક ઇસમેં આ મારી પત્ની છે જયારે બીજા ઇસમેં આ મારી બહેન છે,તેમ કહી આધેડને માર માર્યો હતો અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો.પોલીસમાં ફોન કરવાની વાત કરી હતી.જેથી આધેડે આજીજી કરતા તેનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી લીધો હતો.
આ દરમિયાન એક ત્રીજો ઇસમ પણ ત્યાં આવ્યો હતો અને બાદમાં મેટર પતાવી હોય તો 8.50 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું.જેથી આધેડ આબરૂ જવાના ડરથી રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયો હતો.આધેડે ઘરમાંથી સેઈફની ચાવી લઈને તેની પત્નીનો સોનાનો હાર અને બુટ્ટી સહિતના દાગીના ગીરવે મૂકી 4.98 લાખ રૂપિયા તે ઈસમોને આપી દીધા હતા અને બીજા અઢી લાખ રૂપિયા સબંધીઓ પાસેથી મેળવી બીજા દિવસે આ ટોળકીને આપી દીધા હતા.
દરમિયાન 19 ડીસેમ્બરના રોજ આધેડ નોકરી પર જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં બે લોકોએ તેને આંતરી અમે પુણા પોલીસ મથકમાંથી આવીએ છીએ.અઠવાડિયા પહેલા તમે જે કામ કર્યા છે તે લોકો પુણા પોલીસ મથકે આવ્યા છીએ.તેના ઘરમાં ઝઘડો થયો છે તેમ કહી આ મેટર આગળ ન વધવા દેવી હોય તો 10 લાખની માંગ કરી હતી.એ સમયે આધેડે 9 લાખ રુપિયાની સગવડ કરી આ બંને ઇસમોને આપી દીધા હતા. આધેડ આ ઘટના બાદ ચિંતામાં રહેતા હોય સમગ્ર મામલે પરિવારજનોને વાત કરતા મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો.આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં તપાસ કરી એક દંપતી સહીત 4 મહિલા અને બે પુરુષની ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ ફેસબુકના માધ્યમથી મહિલાનું નામ ધારણ કરી ચેટ કરી હતી અને બાદમાં વીડિયો કોલ કરી ફરીયાદીને શંકાજામા ફસાવ્યા હતા.અન્ય આરોપીઓએ પત્રકાર અને પોલીસની ઓળખ આપી કુલ 16.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.જે પૈકી આરોપીઓ પાસેથી 5.74 લાખ રોકડા, 7 મોબાઈલ તેમજ એક ફોરવ્હીલ કાર મળી 6.60 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અન્ય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.આરોપીઓએ પત્રકાર અને પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
કોની કોની ધરપકડ કરાઈ
– ઉત્પલ રમેશભાઈ પટેલ ( ઉ.વ.25, રહે. આશીર્વાદ હાઈટસ, ક્રોસ રોડ, અમરોલી, સુરત )
– અરવિંદ જીવરાજભાઈ મુંજપરા ( ઉ.વ.32, સત્યનારાયણ સોસાયટી, મુરધા કેન્દ્રની બાજુમાં, કાપોદ્રા, સુરત )
– તેની પત્ની સંગીતા ( ઉ.વ.31 )
– ભાવનાબેન હીરાભાઈ રાઠોડ ( ઉ.વ.39, રહે. વિહાર સોસાયટી, સીંગણપોર ચાર રસ્તા, સુરત )
– રેખાબેન મનસુખભાઈ રાઠોડ ( ઉ.વ.37, હરીધામ સોસાયટી, અર્ચના સ્કુલ પાસે, વરાછા, સુરત )
– અલ્કા રજનીકાંતભાઈ ગોંડલીયા ( ઉ.વ.22, રહે.હરીઓમ સોસાયટી, આશ્રમ પાસે, કતારગામ, સુરત )