– પાલિકાના કર્મચારીઓ સાથે મૃતદેહોની નોંધણી કરવા શિક્ષકોને આદેશ કરાયો
સુરત : સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે,પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી છે.અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે.
કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી હતી,જેમાં શિક્ષકોને કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા. ધનવંરી રથ સાથે જવાનું, સર્વેની કામગીરી,અનાજ વિતરણની અનેક કામગીરી કરવાના આદેશ થયા હતા, જે ફરજના ભાગરૂપે શિક્ષકોએ નિભાવી હતી અને શહેર પર આવી પડેલી મુશ્કેલીમાં પોતાની રીતે ફરજ અદા કરવા માટે તત્પરતા દાખવી હતી. ત્યારે સ્મશાનની કામગીરી સોંપાતાં શિક્ષકો અવઢવમાં મુકાયા છે.
કોર્પોરેશનના શિક્ષકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે સ્મશાનમાં મૃતદેહની નોંધણી કરવાની કામગીરી શિક્ષકો માટે યોગ્ય નથી.અમે અમારા શિક્ષક સંઘમાં ગઈકાલે રાત્રે જ આ બાબતે રજૂઆત કરી છે.અમને આ કામગીરી અંગે સોશિયલ મીડિયા થકી જ મેસેજ આપવામાં આવ્યા હતા.સંઘના અમારા હોદ્દેદારોને આ ઓર્ડર રદ કરવા માટે જાણ કરી છે.સંઘના હોદ્દેદારોએ આ કામગીરી શિક્ષકોને સોંપવા બદલ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને જાણ કરવાની બાંયધરી પણ આપી છે.
સ્મશાનમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ સતત મૃતદેહોના અગ્નિસંસ્કાર વધી રહ્યા છે,સ્મશાનમાં વધુ સંખ્યામાં મૃતદેહો આવતા હોવાથી છાસવારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે.અમૂક મૃતદેહોને કલાકો સુધી વેઈટિંગમાં રાખવામાં આવી રહ્યાં છે. જેથી મૃતકોના સ્વજનો પણ અવ્યવસ્થાથી અકળાઈ જાય છે, વળી કોરોનાગ્રસ્ત અને નોર્મલ મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર થતા હોવાથી અલગ અલગ અગ્નિસંસ્કાર કરવાની માગ પણ કરવામાં આવી રહી છે.


