સુરતના સરથાણા વિસ્તારમાં ચાલુ BRTSમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ગણતરી સમયમાં બસ આગમાં બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગના કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. સદનશીબે બસના ડ્રાઈવરની સતર્કતાના કારણે બસમાં બેસેલા તમામ પસેન્જરનો આબાદ બચાવ થયો હતો.
રિપોટ અનુસાર સરથાણાથી પાલ રૂટ પર દોડતી BRTS બસ સરથાણા નેચરપાર્ક તરફ જઈ રહી હતી. તે સમયે સીમાડા ચાર રસ્તા નજીક એકા-એક બસમાં એન્જીનમાં શોર્ટસર્કીટ થવાના કારણે ધૂમાડાઓ નીકળવા લાગ્યા હતા. આ ઘટના બની તે સમયે બસમાં 12થી 15 જેટલા મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસના દરવાજા ખોલીને મુસાફરોને બસની બહાર નીકળી જવા માટે કહ્યું હતું અને ત્યારબાદ ડ્રાઈવર પણ બસની બહાર નીકળી ગયો હતો.તમામ મુસાફરો સલામત રીતે બસની બહાર નીકળી ગયા પછી એન્જીનમાં નીકળતા ધૂમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીના સમયમાં બસમ લાગેલી આગ એટલી વિકરાળ બની ગઈ હતી બસ બળીની ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા ગણતરીના સમયમાં ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બસ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બસમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકો રસ્તા પર ઉભા રહી ગયા હોવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, જે કંપનીની BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી તે જ કંપનીની બસમાં બે વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની ચૂકી છે.