– ખોટા સહી સિક્કાથી નકશા,પ્લાન,બાંધકામ મંજૂરી પત્રક,અરજી બનાવી તેનો સરકારી કામે ખરા તરીકે ઉપયોગ કર્યો હતો
સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સાયણ ગ્રામ પંચાયતના 2 સરપંચ અને 3 તલાટીએ ભેગા મળી કરેલા ગુનાહિત કૃત્યમાં ઓલપાડ પોલીસે 5 વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ખોટા સહી સિક્કાથી નકશા,પ્લાન,બાંધકામ મંજૂરી પત્રક, અરજી બનાવી તેનો સરકારી કામે ખરા તરીકે ઉપયોગ કરી 268 જેટલી જુદી જુદી મિલકતોની આકરણી અને 10થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામ નામફેર કરવા સાથે 28 ગેરકાયદેસર રીતે બનેલા રો-હાઉસની આકારણી કરી ગંભીર પ્રકારે ગુનાહિત કૃત્ય કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, સાયણ ગામે આવેલ બ્લોક નંબર 78, 79, 81વાળી જમીનમાં દિલીપભાઈ ધરમશીભાઇ કણકોટીયાએ પોતાના હિસ્સાની જમીન માર્ચ 2013માં જુદા જુદા 3 દસ્તાવેજથી વેચાણ કરતા જમીનમાંથી દિલીપભાઈ ધરમશીભાઇ કણકોટીયાનું નામ રેવન્યુ રેકોર્ડ ઉપરથી કમી થયું હતું.ત્યારે માર્ચ-2013માં વેચાણ કર્યા બાદ આ જમીન માટે તેનો કોઈ માલિકી હક કે તેવા કોઈ પુરાવાઓ ન હોવા છતાં માર્ચ-2014થી 2017 સુધીમાં તેમના નામે સરપંચ અને તલાટીઓએ જુદી-જુદી સામાન્ય સભામાં બનાવટી સરકારી રેકોર્ડને આધારે જુદા જુદા ખોટા ઠરાવો કરી બાંધકામ મંજૂરી, 268 (દુકાન અને ફ્લેટ), 28 રો-હાઉસ જેટલી મિલકતની આકરણી, 10 જેટલી મિલકત ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામે નામફેર કરવા જેવા અનેક ગેરકાયદેસરના ગંભીર પ્રકારે ગુના કર્યા છે.
ઓલપાડ તાલુકાની સાયણ ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર જે હાલ ઉપસરપંચ હોય સાથે હાલના સરપંચ અનીલ સુખદેવભાઈ પટેલ સહિત તલાટી કમ મંત્રી દિનેશ હરગોવન પટેલ, દિલીપ જયંતીભાઈ પટેલ અને ભેગા મળી કૌભાંડ આચર્યું હતું.જેમાં માજી સરપંચના ખોટા સહી અને સિક્કાને આધારે આરોપીઓએ એક બીજાની મીલીભગતમાં બોગસ પ્લાન/નકશા, બાંધકામ મંજુરી પત્રક સાથે આકરણી અરજી પત્રક જેવા મોટાપાયે ખોટા સરકારી રેકોર્ડ બનાવવા સાથે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હતા.આ ખોટા પુરાવાને આધારે સાયણ ગ્રામ પંચાયતની તારીખ 17-6-2014થી 7-7-2017 સુધી જુદી જુદી સામાન્ય સભામાં 268 જેટલી જુદી જુદી મિલકતોની આકરણી અને 10થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામ નામફેર કરવા સાથે 28 ગેરકાયદેસર રીતે બનેલા રો-હાઉસની આકારણી કરી લીધી હતી.
હજુ મોટા કૌભાંડ સાથે ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતા
ખોટા કાગળો બનાવી તેનો સરકારી કામે ખરા તરીકે ઉપયોગ કરી એક બીજાની મીલીભતમાં રાજ્ય પંચાયત વિભાગનું સાયણ ગ્રામ પંચાયતમાં પ્રથમ સૌથી મોટું ગુનાહિત કૃત્ય થયાનું પણ નોંધાયું છે.જ્યારે પંચાયતમાં થયેલા ગંભીર ગુના બાબતે ઓલપાડ પોલીસે 2 સરપંચ સહિત 5 વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આરોપીની અટક થતા પોલીસ તપાસમાં હજુ મોટા કૌભાંડ સાથે ચોંકાવનારી માહિતી બહાર આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉપ સરપંચ અશ્વિન ઠક્કર વિરૂદ્ધ અગાઉ ખંડણી માંગવાનો પણ ગુનો નોંધાયો છે
સાયણ ગ્રામ પંચાયતનો તત્કાલીન સરપંચ અને હાલનો ઉપ સરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર જેણે તલાટીઓ સાથે મળી પંચાયત કચેરીમાં મોટું કૌભાંડ કર્યું છે.આરોપી અશ્વિન ઠક્કરનો ગુનાહિત ભુતકાળ મુજબ તેના પર અગાઉ ખંડણી માંગવાના ગુનો પણ નોંધાઇ ચૂક્યો છે.