સુરત : મધ્યપ્રદેશના ઈન્દોરની હોટલમાં બાંગ્લાદેશી છોકરીઓને બંધક બનાવી ચલાવાતા સેક્સ રેકેટમાં એક છોકરી સપ્લાય કરનાર યુવાનને સુરત એસઓજીએ ઈન્દોર પોલીસની સાથે રહી ઝડપી લીધો છે.ઝડપાયેલો મનીરુલ ગાઝી સેક્સ રેકેટમાં નામ ખુલતા ભાગીને સુરત આવ્યો હતો અને અગાઉ પલસાણાના જોલવામાં રહેતો હતો.તે મહિના અગાઉ જ સુરતના પુણા વિસ્તારમાં રહેવા આવ્યો હતો.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ અગાઉ મધ્ય-પ્રદેશના ઈન્દોર શહેરની વિજયનગર પોલીસે બાંગ્લાદેશથી આર્થિક રીતે પછાત પરિવારની તરૂણીઓને નોકરીની લાલચ આપી દલાલની મદદથી વાયા પશ્ચિમ બંગાળ ભારતના જુદાજુદા શહેરોમાં લઈ જઈ તેમને હોટલમાં બંધક બનાવી ચલાવતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે ઝડપાયેલી એક યુવતીની કબૂલાતના આધારે લસુડીયા પોલીસે મહાલક્ષ્મીનગર વિસ્તારની મોહિત હોટલમાં છાપો મારી રૂમ નં.201 માં પાંચ દિવસથી બંધક બનાવેલી છ છોકરીઓને મુક્ત કરાવી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે ધારના પ્રિતમપુર સ્થિત શ્રીસાંઈકૃપા લોજનાં રૂમ નં.103 માં બંધક બનાવેલી બે છોકરીઓને મુક્ત કરાવી હતી.તે સમયે ઇન્દોર પોલીસે વિજયનગર,લસુડીયા અને એમ.આઈ.જી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને હ્યુમન ટ્રાફીકીંગના ગુનાઓ નોંધી કુલ 17 છોકરીઓને મુક્ત કરી તેની તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી.
દરમિયાન, મોહિત હોટલમાંથી મુક્ત કરાયેલી એક છોકરીએ તેને સુરતના મનીરુલે દેહવિક્રયના ધંધામાં ધકેલી હોવાની કબૂલાત કરતા ઈન્દોર પોલીસની એસઆઇટીએ તેની તપાસ શરૂ કરી હતી.એસઆઇટીની પીએસઆઈ પ્રિયંકા શર્માએ સુરત આવી પોલીસની મદદ માંગતા એસઓજીએ એએસઆઈ મહેશદાન વજુભાઈ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે લીંબાયત શ્રીનાથ સોસાયટી પાસેથી મનીરુલ ખાલેક ગાઝી ( ઉ.વ.27, રહે.ઘર નં.103, બિલ્ડીંગ નં.2, પ્રિયંકા ઈન્ટરસીટી, પુણા પાટીયા, ભક્તિધામ મંદિરની સામે, પુણા, સુરત )ને ઝડપી ઈન્દોર પોલીસને સોંપ્યો હતો. ઝડપાયેલો મનીરુલ ગાઝી સેક્સ રેકેટમાં નામ ખુલતા ભાગીને સુરત આવ્યો હતો અને અગાઉ પલસાણાના જોલવામાં રહેતો હતો. તે મહિના અગાઉ જ સુરતના પુણા વિસ્તારમાં રહેવા આવ્યો હતો.


