સુરત : શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે જઇ રહી હોવાનું કહીને ગુમ થઇ જતા ભારે ચકચાર મચી છે.વિદ્યાર્થીનીના રત્નકલાકાર પિતાને ફોન કરીને જો તમારી દીકરી હેમખેમ પરત જોઇતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી.પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા વિદ્યાર્થીની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં જોઇ શકાય છે.વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે,ખંડણી માંગતા અપહરણ થયું હોવાની શક્યતા છે.જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ છોકરો પણ સાથે હોવાનું લાગી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર હીરા ઘસવાની મજુરી કામ કરતા કિરીટભાઇની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે.દીકરી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બુક લેવા જવાના બહાને નીકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઇસમનો ફોન પર દીકરી જોઇતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ નહી તો દીકરી સલામત નહી રહે તેવું કહેતા પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો.ખંડણી માંગનારા વ્યક્તિએ અલગ અલગ નંબરો પરથી 3 વાર ફોન કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની બુક લેવા ગઇ તેનો ફોન ઘરેજ મુકીને ગઇ હતી. જેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ થયેલો હતો.ફોનમાંથી કોઇ જ રેકોર્ડ મળ્યા નથી. જેથી તે કોના સંપર્કમાં હતી અને કોની સાથે છેલ્લે વાત થઇ તે અંગે હવે સીડીઆર ડિટેઇલના આધારે જ માહિતી મળશે.આ ઉપરાંત યુવતીના ગયાના 45 મિનિટમાં અપહરણકર્તાનો ફોન આવ્યો હતો.આ બાબતે પોલીસને શંકા છે.હાલ તો પોલીસ યુવતી અને યુવક સાથે ભાગી ગયાના હોવાની એંગલ પર તપાસ કરી રહી છે.