સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં(28 એપ્રિલ) કોરોનાનો પોઝિટિવ દર્દી ભાગી જવાની ઘટના સામે આવી હતી.જેને લઇને હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી.50 વર્ષીય ભગવાન રાણા નામના દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.G3 વોર્ડમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતા પોલીસની જાણ કરવામાં આવી હતી.ખટોદરા પોલીસે નાસી ગયેલા દર્દીને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી. ત્યારે આજે (ગુરૂવાર) કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી મળી આવ્યો છે.
21 એપ્રિલે ભગવાન રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેઓ વોર્ડમાંથી ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું.ત્યારે બે દિવસ પહેલાં ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીકથી મળી આવ્યો હતો.આ મૃત દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.જ્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા પોસ્ટમોર્ટમ રૂમની આસપાસ સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે.સાથે સંપર્કમાં આવેલા લોકોની તપાસ પણ કરવામાં આવી છે. દર્દી વોર્ડમાંથી ભાગ્યો તે સમયના સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
ભાગી ગયેલા દર્દીની આ રીતે થઇ ઓળખ
કોરોના પોઝિટિવ ભગવાન રાણાના હાથ પર કોઈ સિક્કો પણ ન હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.પોસ્ટમોર્ટમ રૂમ બહારથી મૃતદેહ મળી આવતા એક કર્મચારીને મૃતદેહનું ટેમ્પરેચર વધારે હોવાનું જાણવા મળ્યું હતું.જ્યાર બાદમાં તેણે આ અંગે તેના સીનિયર ડૉક્ટરને વાત કરી હતી. જોકે, બુધવારે તેઓ રજા પર હોવાથી ગુરુવારે ફરજ પર આવ્યા હતા.આ દરમિયાન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. જોકે, ટેમ્પરેચર વધારે હોવાની વાત ડૉક્ટરને ખબર પડતા તેમણે મૃતદેહનો ફોટો પાડીને કોરોના પોઝિટિવ વોર્ડમાં એક વ્યક્તિને પૂછપરછ માટે મોકલ્યો હતો. જે બાદમાં વોર્ડમાં દાખલ દર્દીઓએ આ તસવીર ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દી ભગવાન રાણાની જ હોવાનું જણાવ્યું હતું.જે બાદમાં આ મૃતદેહ ભગવાન રાણાનો હોવાનો ખુલાસો થયો હતો.
સિવિલમાંથી અત્યાર સુધીમાં 2થી 3 દર્દીઓ ભાગી ચૂક્યા છે
સુરતની નવી સિવિલમાંથી અત્યાર સુધીમાં બેથી ત્રણ દર્દીઓ ભાગી જવાની ઘટના બની હતી.ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.કોરોના પોઝિટિવ દર્દીઓ છતાં હોસ્પિટલની સુરક્ષામાં છીંડા જોવા મળી રહ્યા છે.જોકે હોસ્પિટલની સુરક્ષા અંગે VTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.જેમાં નવી સિવિલના મુખ્ય દ્વારથી જ સુરક્ષા ઝીરો જોવા મળી હતી.ગમે ત્યારે લોકો પ્રવેશી શકે અને બહાર જઇ શકે છે.મુખ્ય દરવાજા પાસે સુરક્ષા જવાનો માત્ર નામ પૂરતા હતા. ચેકીંગના અભાવે ભાગી જનારા દર્દીઓને રોકનાર કોઈ નહિ.
PPE કીટ ઉપયોગમાં લીધા બાદ કચરાપેટીમાં નાખવામાં આવી
સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી.કોરોના દર્દીની સારવારમાં વપરાતા સાધનો કચરાપેટીમાં જોવા મળ્યા હતા. PPE કીટ ઉપયોગમાં લીધા બાદ કચરાપેટીમાં નખવામાં આવી હતી. તો માસ્ક અને હેન્ડગ્લોઝ પણ કચરાપેટીમાં જોવા મળ્યા હતા. હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે જ કચરાપેટી છે.આ કચરાપેટીમાં નાખેલા વેસ્ટથી કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.