– કોર્પોરેટરની જેમ શિક્ષણ સમિતિના સભ્યોને 12 લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ અપાશે
– શિક્ષકોની અછત વચ્ચે વરાછા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ શરૃ કરવા માટે જાહેરાત (પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર
સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કુલમાં બે સ્માર્ટ બોર્ડ મુકીને સ્કુલને સ્માર્ટ બનાવવા માટે આયોજન થઈ રહ્યં છે.તે પહેલાં સુરત શિક્ષણ સમિતિના તમામ સભ્યોને 12 લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ આપવાનો નિર્ણય આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. પાલિકાના વરાછા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૃ કરવા માટેનો નિર્ણય પણ આજની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત દરેક શાળાની એક સરખી ઓળખ રહે તે માટે અક સરખા કલર અને શાળાની દિવાલો પર શૈક્ષણિક ભીત ચિત્રો માટે પણ નિર્ણય કરવામા આવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભામાં વરાછા બી ઝોનમાં ટીપી સ્કીમ નંબર 24 ( મોટા વરાછા- ઉત્રાણ)માં ફાઈનલ પ્લોટ નંબર આ-19માં નવા શૈક્ષણિક સત્રથી ધો.1થી 5 અંગ્રેજી માધ્યમમાં શરૃ કરવાની દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ દરખાસ્ત પર ભાજપના સભ્ય સાથે અપક્ષ સભ્યએ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેના પ્રયાસને આવકાર્યો હતો.આ ઉપરાંત વિક્ષી સભ્યએ આ દરખાસ્તને સમર્થન કરવા સાથે અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની ઘટ જલ્દી પુરવામાં આવે તેવી માગણી કરી હતી.જેના જવાબમાં અધ્યક્ષે સુરત પાલિકા અને રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી માટે પ્રયાસ કરી રહી છે અને તેના કારણે આ ઘટ પુરી થશે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત આજની સામાન્ય સભામાં શિક્ષણ સમિતિના તમામ સભ્યોને બાર લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તે દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ પહેલાં બજેટમાં શિક્ષણ સમિતિની દરેક સ્કુલમાં બે સ્માર્ટ બોર્ડ બનાવવા માટેનો નિણય કરવામાં આવ્યો હતો પરંતુ શાળા સ્માર્ટ બને તે પહેલાં સમિતિના સભ્યોને સ્માર્ટ બનાવવા માટે 85 હજાર રૂપિયાનું એક એવા લેપટોપ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત શિક્ષણ સમિતિની તમામ સ્કુલોમાં મહાનુભવોના ચિત્રો મુકવા સાથે સાથે દરેક સ્કુલ એક સરખા રંગની બનાવવા ઉપરાંત દરેક સ્કુલની દિવાલો પર શૈક્ષણિક ભીત ચિત્રો બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.