સુરત,તા.11 જાન્યુઆરી 2023,બુધવાર : ગુજરાતની અંદર ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ એક વિશેષ ઝૂંબેશ શરુ કરવામાં આવી છે,ત્યારે સુરત જિલ્લામાં પણ પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા સરકારની વિવિધ યોજના અને આવા વ્યાજખોરની માહિતી મળી રહે તે માટે જનસંર્પક પણ કરવામાં આવી રહ્યું છે.
વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે સુરત શહેરમાં તો વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જ આવી રહી છે,પરંતુ સુરત જિલ્લામાં પણ પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરવામાં આવી છે.આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરો સામે ફરિયાદ કરતા ડરે છે,જેના ભાગરૂપે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.પોલીસના અધિકારીઓ ખુદ લોકોના ઘરે જઈને જનસંર્પક કરી રહ્યા છે.
કામરેજ પોલીસે વ્યાજખોરી વિરૂદ્ધ નવતર પ્રયોગ કર્યો છે.જેમાં કામરેજ પોલીસે જાહેર કરેલ હેલ્પ લાઈન નંબરની પત્રિકાનું ઘરે-ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે.તેમજ વ્યાજખોરો કે અસમાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.તેમજ વિવિધ સોસાયટીઓમાં જઈને પણ પીસીઆર વાન દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. કામરેજ પોલીસની આ કામગીરી સ્થાનિકો એ આવકારી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 16 ગુના નોંધવામાં આવ્યા છે અને 16 જેટલા વ્યાજખોરોની અટક કરવામાં આવી છે અને 6 આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લા ગ્રામ્યની અંદર ગેરકાયદેસર વ્યાજની પ્રવુતિ કરતા ઇસમોને શોધી કાઢવા અને લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમ અને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત સ્કૂલ કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.વિવિધ વિસ્તારમાં લોક દરબારનું પણ આયોજન કરાઈ રહ્યું છે.