– શિક્ષણ સમિતિની ચૂંટણીના ઉમેદવાર રાકેશ ભીકડિયા પર સીધો આક્ષેપ
સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇ પાલિકામાં રાજકીય માહોલ બરાબર ગરમાયો છે.ભાજપના ઇશારે વધારાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસો અગાઉ ઉમેદવાર રાકેશ ભીકડિયાની દારૂની મહેફિલમાં હાજરીનો વીડિયો વાઇરલ થયો હતો.ભીકડિયાની સામાજિક સ્વીકૃતિને મુદ્દો બનાવી ‘ભીકડિયા જેવા દારૂડિયા-અસામાજિક તત્ત્વોને શિક્ષણ સમિતિમાં મોકલી ભાજપ આપણા બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા માંગે છે?’ તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
વિરોધ કરવા ઉત્સાહના અતિરેકમાં આપના કોર્પોરેટરો અને કાર્યકરો હાથમાં બેનરની સાથોસાથ હથોડી અને ખીલી લઇ પહોંચી ગયા હતા.શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા જઇ રહ્યું છે.ઇલેકશન કે સિલેક્શનનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.તે પૂર્વે આમ આદમી પાર્ટીએ ભાજપની છાવણીના વધારાના ઉમેદવાર રાકેશ ભીકડિયાનો વિરોધ કર્યો હતો.રાકેશ ભીકડિયા દારૂડિયો અને અસામાજિક તત્વ હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો.
આ અંગે આપના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા મેયર હેમાલી બોઘાવાલા,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ,શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી અને ભાજપ કાર્યાલયના દરવાજે બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.મુખ્ય કચેરીના દરવાજે તથા ભાજપ કાર્યાલય ઉપર બેનર બાંધવામાં આવ્યા હતા.વિરોધ કરવા ઉત્સાહના અતિરેકમાં આપના કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરો મેયર ઓફિસ બહાર બેનર સાથે હાથમાં ખીલી-હથોડી લઇ પહોંચી ગયા હતા.મેયર ઓફિસ બહાર બેનર ઉપર ખીલી મારી રાકેશ ભીકડીયાનો વિરોધ કર્યો હતો.આપના કોર્પોરેટરોની આ હરકતથી પાલિકાના સિક્યુરિટી કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા.
આપના કોર્પોરેટરો અને કાર્યકરોએ પાલિકાની મુખ્ય કચેરીમાં મેયર,ડેપ્યૂટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની કાર ઉપર વિરોધ પ્રદર્શિત કરતા સ્ટીકર ચોંટાડ્યા હતા.ચોરી છૂપે કારના બોનેટ ઉપર સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યા હતા.સુરક્ષા કર્મીઓ દ્વારા કારના બોનેટ ઉપરથી સ્ટીકર કાઢી નાખવામાં આવ્યા હતા. સ્ટીકરો પણ કાઢી નાખવામાં આવતા આપનું ટોળું વિખેરાઇ ગયું હતું.