સુરત, 1 જુલાઈ : વૈશ્વિક મહામારી કોરોનાના અજગરી ભરડામાં સમગ્ર ભારતની જનતા હાલ પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે.દેશના વિવિધ રાજ્યોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે.ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. રાજ્યના અમદાવાદમાં એક સમયે સ્થિતિ નિયંત્રણમાં ન રહ્યા બાદ ધીમે ધીમે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા માંડ કાબુમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાની મહામારી નિરંકુશ બનતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ સોમવારથી સુરતમાં ધામ નાખ્યા છે.સોમવારે શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ મોદી સાંજ સુધી સુરતમાં મનપાના અધિકારીઓ સાથે તેમણે મિટિંગ કરી કોરોનાને અંકુશમાં કઈ રીતે લઈ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.સુત્રોથી મળેલી જાણકારી મુજબ અગ્ર સચિવ જયંતિ રવિનું સુરત શહેરના સર્કિટ હાઉસમાં એક સપ્તાહનું બુકીંગ થયેલું છે..મતલબ એક સપ્તાહ સુધી તેઓ સુરતમાં રહી કોરોનાની સ્થિતિનું મોનીટરીંગ કરે તેવી સંભાવના છે.
બીજી તરફ છેલ્લા 5 દિવસમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 881 દર્દીઓ નોંધાયા છે અને ગ્રામીણ ક્ષેત્રમાં ધીમા પણ મક્કમ પગલે કોરોનાનો પગપેસારો ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. સોમવારે શહેરની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત બાદ મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે અગ્ર સચિવ જયંતિ રવિ ફરીથી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે અને ત્યાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલ મિટિંગ કરી કોરોનાને અંકુશમાં લેવા રણનીતિ તૈયાર કરી રહ્યા છે.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત શહેરના સરસાણા ખાતે હાલ 810 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલુ છે ત્યારે હવે સુરત શહેરની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પણ વધુ 600 બેડનું તમામ પ્રકારની વ્યવસ્થા સાથે નિર્માણ કરવામાં આવશે.સુરત શહેરમાં પ્રતિ દિન હાલ 150 થી 200 દર્દીઓ કોરોના ગ્રસ્ત આવી રહ્યા છે ત્યારે તંત્ર માટે પણ આટલી મોટી સંખ્યા આવેલા દર્દીઓને સારવાર આપવી તે પણ એક મોટો પડકાર છે.
સુરત શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત તેમજ મિટિંગ બાદ આરોગ્ય અગ્ર સચિવ શહેરના અતિ હોટ સ્પોટ બનેલા કતારગામ ઝોનમાં આવેલા નંદુ ડોશીની વાડી વિસ્તારની મુલાકાત લે તેવી સંભાવના છે.તેઓ તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે પણ બેઠક કરશે તેવી જાણકારી મળી છે. એક તરફ સુરત શહેરમાં શહેરીજનોની બેદરકારીના કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી અનલોક-2ના પ્રારંભથી અનેકવિધ છૂટછાટ આપવામાં આવી રહી છે.ત્યારે આગામી દિવસોમાં આ છૂટછાટ શહેરને વધુ ગંભીર સ્થિતિ તરફ પણ લઇ જાય તે પણ એક સંભાવના વિશેષજ્ઞો દ્વારા જોવાઈ રહી છે.જે હોય તે હાલ તો રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ શહેરમાં બેકાબુ બનેલા કોરોના સંક્રમણને અંકુશમાં લેવા ક્યાં પ્રકારની રણનીતિ અમલમાં મુકાવે છે તે જોવું રહ્યું .