શહેરમાં દર વર્ષે 70 હજારથી વધુ મૂર્તિની સ્થાપના થતી હતી જે સરકારની મંજૂરી મોડી મળતાં આ વર્ષે 30 હજાર જ હશે.શહેરમાં 10 હજાર મંડળો છે તેમજ બાકીની ઘરોમાં સ્થાપના થાય છે.ગણેશ ઉત્સવ સમિતિના જણાવ્યા મુજબ, 2019માં 9700 મંડળોએ વિસર્જનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ વર્ષે 3500 મંડળો જાહેર ઉજવણી કરશે, 4 હજાર મંડળો ઘરોમાં જ પૂજા પાઠ કરશે.વિસર્જન યાત્રા માટે પણ હાલ 300 જ રજિસ્ટ્રેશન છે. શહેરના 50 જેટલા મૂર્તિકારોના જણાવ્યા પ્રમાણે હાલ 3થી 4 ફૂટ સુધીની 3000 અને અને 2 ફૂટ સુધીની મૂર્તિનાં 18 હજાર બુકિંગ છે.મૂર્તિઓ 2થી 3 ગણી મોંઘી થઈ ગઈ છે.ઉત્સવની સાથે લગભગ 1 લાખ લોકોને રોજી મળે છે તેમજ 70 કરોડનો વેપાર થાય છે પણ આ વર્ષે માંડ 30 કરોડનો થશે.
4 ફૂટની 8 હજારની મૂર્તિનો ભાવ આ વર્ષે 20 હજાર થઈ ગયો
કારીગરોની અછત મોડેથી જાહેર કરાયેલી ગાઇડલાઇન અને ડિમાન્ડ સામે સપ્લાઇ ન હોવાથી 3થી 4 ફૂટની માટીની મૂર્તિનો ભાવ 15થી 20 હજાર જેટલો થઈ ગયો છે.જે અગાઉ 8થી 10 હજાર જેટલો હતો તેમજ 2 ફૂટ સુધીની મૂર્તિનો ભાવ 5 હજાર જેટલો થઈ ગયો છે.જે અગાઉ 1500થી 2 હજાર જેટલો હતો.
કોરોનાને કારણે વિસર્જન યાત્રા ડ્રેસ કોડમાં નીકળશે
વિશ્વરાજા મંડળના હિરેન ટંકારાએ કહ્યું કે, વિસર્જનમાં SOPના પાલન માટે ડ્રેસ કોડ હશે.સહારા દરવાજા ચા મહારાજાના ચિરાગ સાલવીએ કહ્યું કે, થીમ બેઝ્ડ આયોજનો ઘટશે.વિસર્જનમાં ડ્રેસ કોડ હશે અને 15-15 લોકો જોડાશે.
બચતમાંથી કોરોનામાં અનાથ થયેલા બાળકોની મદદ કરાશે
આ વખતે કુલ 30 હજાર મૂર્તિની સ્થાપના થઈ શકે છે.અડાજણ-રાંદેરના 15 મંડળો સાથે મળી જે ફંડ બચશે તેનાથી કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને મદદ કરીશું. :- પ્રમુખ ગણેશ ઉત્સવ સમિતિ
35 હજાર મૂર્તિની માંગ છે પણ સપ્લાય શક્ય નથી
સરકારે ગાઇડલાઇન મોડેથી જાહેર કરતાં 3-4 ફૂટની મૂર્તિ વધારે બનાવાઈ ન હતી.હાલ 35 હજાર જેટલી મૂર્તિની ડિમાન્ડ છે પણ તેની સામે સપ્લાય શક્ય નથી.જો બહારથી પણ મૂર્તિ મંગાવાય તો પણ આંકડો 25 હજારથી ઉપર નહીં જઈ શકે.મોટી મૂર્તિનો સ્ટોક પૂરો થઈ ગયો છે અને નાનીમાં પણ લોકો પાસે 50-100 મૂર્તિનો સ્ટોક છે.ડિમાન્ડ અને સપ્લાયમાં તફાવતને લીધે ભાવ પણ 2થી 3 ગણા વધી ગયા છે. :- મૂર્તિકાર
બજારોમાં ખરીદીનો માહોલ, છતાં દર વર્ષ કરતાં ગ્રાહકો ઓછા
આગામી 10 સપ્ટેમ્બરથી ગણેશજીની સ્થાપના થશે.ઉત્સવને આડે માંડ 4-5 દિવસો બાકી છે ત્યારે શહેરના બજારોમાં ગણેશજીના સાજશણગારની ખરીદીનો માહોલ જામવા માંડ્યો છે.જો કે, વેપારીઓના મતે ખરીદી દર વર્ષ કરતા ઓછી છે.