– આખું પરિવાર દુકાનમાં ઘૂસી ગયું અને માર માર્યો
સુરત : સુરત શહેરમાં ભટાર ગુરૂનાનક હોસ્પિટલ નજીક કારથી મોપેડને અડફેટે લઈ એક વેપારીએ બીજા વેપારીને દુકાનમાં ઘૂસી ફટકાર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.રવિવારની ભર બપોરે ગ્રાહકની મોપેડને અડફેટે લેનાર વેપારીને જોઈ ને ચલાવવાનું કહેતા વેપારી તારાચંદ નાઈ પર હુમલાખોર વેપારીએ પરિવાર સાથે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.તારાચંદ નાઈએ આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં હુમલાના સીસીટીવી આપી કાયદેસરના પગલાં ભરવા ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે.તારાચંદ માગીલાલ નાઈ ઉ.વ. 38 (રહે વેસુ સુમન આવાસ) એ જણાવ્યું હતું કે તેઓ કાપડના વેપારી છે.ભતાર ગુરુનાનક હોસ્પિટલ નજીક મહાલક્ષ્મી ફેબ્રિક્સ નામની કાપડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.રવિવારની બપોરે એક ગ્રાહક મારી દુકાનમાં આવ્યો હતો.એનું મોપેડ દુકાન બહાર પાર્ક કર્યું હતું.એ સમયએ પાડોશી વેપારીએ પોતાની ઇનોવા કાર પુર ઝડપે હંકારી મોપેડને અડફેટે લીધી હતી.અકસ્માતમાં મોપેડને પાછળની સાઇડ ભારે નુકશાન થયું હતું.
વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે ગ્રાહકે ઇનોવા ચાલક વેપારીને ગુસ્સામાં બે શબ્દો કહ્યા હતા.જેને લઈ ઇનોવા ચાલક વેપારી મોપેડના ચાલક અને મારા ગ્રાહક પર તૂટી પડ્યા હતા.એને બચાવવા હું દોડીને ગયો હતો.જેને લઈ આખું પરિવાર મારી દુકાનમાં ઘૂસી ગયું હતું અને મને ગળામાંથી પકડીને જમીન પર પાડી ઢીક-મુક્કીનો માર માર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ભરબપોરે ગ્રાહકોની સામે મારી ઉપર હુમલો કરનાર રાહુલ અને એના પરિવારની દાદાગીરી જોઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.જેને લઈ આખું પરિવાર ભાગી ગયું હતું.બસ આ બાબતે આખરે સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી.મિત્રોની સલાહ સૂચન બાદ મેં ન્યાય માટે ઉમરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.પોલીસને તમામ પુરાવા અને સીસીટીવી પણ આપ્યા છે.


