સુરત : શહેરમાં માંડ માંડ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારોના કારણે ફરીથી કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર ચિંતિત બન્યું છે.સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો આંક ૧૫૦થી નીચે રહેતો હતો અને સુરત જિલ્લા સાથે મળી આંક ૨૦૦ની આજુબાજુ રહેતો હતો પરંતુ હાલમાં તહેવારો બાદ ફરીથી કેસોમાં ધરખમ વધારો થયો છે.સુરત શહેર અને જિલ્લામાં કેસોમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે.દિવાળીના દિવસો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે હવે કોરોના કેસોમાં વધારો થવા પામ્યો છે. હાલમાં કોરોનાના કેસોમાં પાંચ ટકા જેટલો વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટરોમાં વધારો કરાયો છે.
સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યાનુસાર દિવાળીના તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળી પડ્યા હતા.જેના કારણે હાલ કોરોના કેસોનું પ્રમાણ ફરી વધ્યું છે.સુરતમાં કોરોના કેસોની સંખ્યામાં પાંચ ટકા વધારો થયો છે. દિવાળીના દિવસો માં બહારગામ ગયેલા લોકો આગામી ૨૨ થી ૨૩ નવેમ્બર દરમ્યાન મોટી સંખ્યામાં પરત સુરત ફરવાના છે.જેના કારણે કોરોના કેસોમાં હજી વધારો થવાની સંભાવના છે.અગાઉ કેસોનું પ્રમાણ ઘટતાં ટોલ પ્લાઝા નજીક શરૂ કરાયેલા ટેસ્ટિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા હતા.હાલની સ્થિતિને જોતા ફરી શરૂ કરવામાં આવ્યા છે.સેન્ટરો ની સંખ્યામાં વધારો કરાયો છે. હાલ સુરતમાં કુલ ૭૨ સેન્ટરો પરથી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.જ્યાં આગામી દિવસોમાં હજી વધુ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે.બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા ખોલવા અંગે જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ શાળા સંચાલકો સાથે પણ મિટિંગ કરવામાં આવી હતી.કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ બંધ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.