– વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વકર્યું
– રાંદેર ઝોનમાં બાળકો સંક્રમિત
– સ્કૂલોમાં RT-PCR ટેસ્ટિંગ હાથ ધરાયું
સુરત : નવરાત્રિના તહેવાર પહેલા જ સુરતમાં કોરોના સંક્રમણે ફરીથી માથું ઉંચક્યું છે.છેલ્લા થોડા દિવસોથી સુરતમાં કોરોના વાઈરસનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.જેમાં આખો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હોય તેવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.એવામાં શહેરની સ્મીમેર હોસ્પિટલમાંથી કોરોના સંક્રમિત યુવક ફરાર થઈ જતાં તંત્રની ચિંતા વધી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષના યુવકને શરદી-ખાંસી અને તાવના લક્ષણો જણાતા તેણે રેપિટ ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સ્મીમેર હોસ્પિટલ સ્ટાફ દ્વારા દાખલ થવાની સલાહ અપાઈ હતી.જો કે આ યુવકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર અને રેસિડન્ટ ડૉક્ટરોની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો.જેના પગલે સ્ટાફના માણસો દોડતા થઈ ગયા હતા.હાલ આ મામલે પોલીસ અને મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ પોઝિટિવ યુવક ફરાર થઈ ગયો હોવાની જાણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં એક જ પરિવારના લોકો સંક્રમિત થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.આ સિવાય શહેરના પોશ વિસ્તારની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસો સામે આવવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી રહ્યાં છે.એવામાં સંક્રમિત દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ જવાના કારણે ચિંતા વધી જવા પામી છે.હવે આ સંક્રમિત યુવક શહેરમાં ‘સુપર સ્પ્રેડર’ના બને તે જોવું રહ્યું.
સુરત વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યુ, સ્કૂલોમાં ટેસ્ટિંગ શરૂ
આજ રીતે સુરતમાં વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનું સંકમણ વકર્યું છે.રાંદેર ઝોનમાં વધારે બાળકો સંક્રમિત થતાં મહાનગર પાલિકા દ્વારા શાળાઓમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ-8ના તમામ વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા.