– ખાનગી બસ ચાલકો શ્રમિકો પાસેથી 800ના બદલે રૂ. 1600થી 1800 ભાડું વસૂલી રહ્યાં છે
સુરત : સુરતમાં કોરોના કેસમાં મોટા ઉછાળાને કારણે ફરી લૉકડાઉન લાગુ થશે એવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકોએ હિજરત શરૂ કરી છે. લૉકડાઉન લાગુ નહીં થાય એવી સરકાર તથા સ્થાનિક તંત્રની વારંવાર ખાતરી છતાં પણ અફવાથી દોરાઈને દરરોજ સરેરાશ 15 બસો ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ-બિહાર રવાના થઈ રહ્યા છે.તકનો લાભ લેવા શ્રમિકોના વિસ્તારમાં રાતોરાત ટ્રાવેલ બુકિંગના કાઉન્ટરો ઉભા થઈ ગયા છે.સોમવારે આશરે 1500 શ્રમિકોને લઈને 14 બસો યુપી-બિહાર રવાના થઈ હતી.ખાનગી બસ ચાલકો શ્રમિકો પાસેથી 800ના બદલે રૂ. 1600થી 1800 ભાડું વસૂલી રહ્યાં છે.ટ્રાવેલ સંચાલકોનું કહેવું છે કે, ‘શ્રમિકો પોતે જ અમારી પાસે આવી રહ્યા છે.તેઓ તેમના ગામ જવા ઈચ્છે છે.તેમાં અમે શું કરી શકીએ? રોજ આશરે 15 બસ ઉત્તર પ્રદેશ અને બિહાર જઈ રહી છે.’બસોમાં જગ્યા ના મળતા શ્રમિકો છત પર બેસીને પણ લાંબી મુસાફરી કરી રહ્યા છે,જેથી તંત્રની ચિંતા વધી ગઈ છે.પોલીસે પણ ટ્રાવેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન આવશે એવી અફવાથી સૌથી વધુ શ્રમિકો ગભરાઈ ગયા છે.એટલે ટ્રેન ના મળે,તેઓ બસોમાં ગામ પાછા જઈ રહ્યાં છે.આ હકીકત જાણવા ભાસ્કરની ટીમ ત્યાં પહોંચી,તો જોયું કે જ્યાં હમણાં સુધી કરિયાણાની દુકાન હતી, ત્યાં હવે ટ્રાવેલ ઓફિસ શરૂ થઈ ગઈ છે.જૂના ટ્રાવેલ સંચાલક કુલદીપ સાહુ કહે છે કે, પહેલા અહીં બે બુકિંગ સેન્ટર હતા, પરંતુ હવે 100થી વધુ છે.અહીં લોકો ગામ જવા ઊમટી રહ્યા છે.હાલ અહીં ઘરોમાં,ચાઈનીઝની લારીઓમાં અને ઝૂંપડીમાં રહેતા લોકો પણ ટ્રાવેલના વેપારમાં સામેલ થઈ ગયા છે.
સુરતના પાંડેસરા,ભેસ્તાન અને સચિન જેવા વિસ્તારોમાંથી રોજ આશરે 15 બસ બીજા રાજ્યોમાં જઈ રહી છે.આ બસોમાં લોકો છત પર બેસીને પણ ગામ જવા તૈયાર છે.ગયા વર્ષે લોકો બસ સ્ટેન્ડ જઈને આખો દિવસ ટિકિટની રાહ જોતા અને બસો ઓછી પડે કે ટિકિટ ના મળે તો તેમને પાછા મોકલી દેવાતા.પરંતુ આ વખતે રોજની 15 બસ શ્રમિકોને લઈને ઉત્તર પ્રદેશ,બિહાર જઈ રહી છે.આ શ્રમિકોએ ભાડાના મકાનો પણ ખાલી કરી દીધા છે.તેઓ બધો સામાન પોટલામાં બાંધીને વતન લઈ જઈ રહ્યા છે.આ ઉપરાંત બસમાં એક સીટ પર ત્રણ લોકો બેસવા પણ તૈયાર છે.બસ સંચાલકોનું કહેવું છે કે,અમે કોઈને ગભરાવ્યા નથી.તેઓ પોતાની ઈચ્છાથી જઈ રહ્યાં છે.તેથી તેમને રોકી ના શકીએ.
ટ્રાવેલ સંચાલકો પાસે ભાસ્કરની ટીમ ટિકિટ ખરીદવા પહોંચી ત્યારે ખબર પડી કે, કાનપુર જવા રૂ. 800 ભાડું હતું, જે હવે રૂ. 1500 વસૂલાઈ રહ્યું છે.બાંદા જિલ્લાનું રૂ. 900 ભાડું વધારીને રૂ. 1300 કરાયું છે.આ ઉપરાંત બિહારનું રૂ. 1000 ભાડું રૂ. 2200 કરાયું છે. શ્રમિકો આ રકમ ચૂકવી પણ રહ્યા છે કારણ કે,પૈસા આપ્યા પછી પણ બે દિવસ સુધીની ટિકિટ મળતી નથી. ટ્રાવેલ એજન્ટો કહે છે કે, આજે ટિકિટ લઈ લો, બે દિવસ પછી હજુ ભાડું વધશે કારણ કે,કોરોનાની સ્થિતિ વધુ વકરી છે. આ અંગે પોલીસે અત્યાર સુધી પાંચ ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ કેસ નોંધ્યા છે.પોલીસે ગેરકાયદે ટ્રાવેલ કાઉન્ટર પણ બંધ કરાવ્યા છે. પોલીસ જવાનો શ્રમિકોની વચ્ચે જઈને જાહેરાત કરી રહી છે કે, અફવાઓ પર ધ્યાન ના આપો.અહીં લૉકડાઉન થવાનું નથી.
ભાજપ કોર્પોરેટર સુધા પાંડેએ વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે.તેમણે અફવા ફેલાવનારા વિરુદ્ધ ફરિયાદની ચેતવણી પણ આપી છે.આ ઉપરાંત પોલીસ કમિશનર અજય તોમર અને તંત્રને પણ અપીલ કરી છે કે,લૉકડાઉન અફવા છે એટલે તમે વતન ના જાઓ.અહીંના એક સ્થાનિક રાકેશ કહે છે કે,લોકોમાં લૉકડાઉનનો ડર છે એટલે તેઓ ગામ જઈ રહ્યા છે.રોજ એક જગ્યાએથી આશરે છ બસ ભરીને જઈ રહી છે.


