– સ્થાનિક લોકોએ ભેગા થઈ સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા
– ખુલ્લેઆમ ધમધમતા દારૂના વેચાણને લઈને ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો
સુરત, 27 માર્ચ 2023 સોમવાર : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ હળપતિ વાસમાં આવેલ ખુલ્લેઆમ થતા દારૂના વેચાણને લઈને સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં ભેગા થઈ લોકોએ કરી કલેકટર કચેરી પહોંચી દારૂનો હાટડી બંધ કરવા માટે રજુઆત કરી હતી.એટલું જ નહીં પણ આ દારૂનો વેપલો મંદિરની જગ્યામાં વિધર્મી યુવક દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં હળપતિ વાસ આવેલ છે જ્યાં મોટી સંખ્યામાં રાઠોડ આદિવાસી લોકો રહે છે.ત્યારે આજરોજ અહીંના સ્થાનિક લોકોએ ભેગા થઈ સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા અને તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના વેચાણને લઈને ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો.આ વિસ્તારમાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે અહી ખુલ્લેઆમ દારૂનું વેચાણ તો થાય જ છે સાથે જ અહીં આવતા દારૂડિયાઓ સોસાયટીની મહિલાઓ સાથે છેડતી પણ કરે છે,જેને કારણે મહિલાઓ અને બાળકીઓનું ઘર બહાર નીકળવું પણ અઘરું થઈ પડ્યું છે અને તેથી દારૂ પીને મહિલાઓ સાથે ગેરવર્તન કરતા આવા સામાજિક તત્વોને કારણે મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાની ચિંતા પણ તેમને સતાવી રહો છે.
આ ઉપરાંત ઉગ્ર આક્રોશ સાથે આક્ષેપ કરતા તેઓએ એ પણ જણાવ્યું હતું કે ગામના હળપતિ વાસને ફાળવવામાં આવેલી મંદિર બનાવવા માટેની જમીનનો કબ્જો પણ બૂટલેગરો દ્વારા પચાવી પાડી ત્યાં દારૂનો ઘંઘો કરવામાં આવી રહ્યો છે.જેથી આજ રોજ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભેગા મળી કલેકટર કચેરી પહોંચી તેમના વિસ્તારમાં ધમધમતા આ દારૂના અડ્ડાને તાત્કાલિક ધોરણે થી બંધ કરાવવામાં આવે અને મંદિરની જગ્યા પરત મળે તેવી માંગ કરવામાં આવી હતી.