– કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કરતા ટ્રાફિક પોલીસ જવાબ આપી ન શકી
– વિડીયો પાંચ દિવસ જૂનો અને કતારગામ ગજેરા સર્કલનો છે
સુરત, તા. 26 માર્ચ 2020 ગુરૂવાર
સુરતમાં કોરોના વાયરસને લીધે હાલ લોકડાઉન છે ત્યારે ટ્રાફિક પોલીસ ભેગા થઇ ઉઘરાણું કરતી હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. 3 મિનિટ 8 સેકન્ડના વીડિયોમાં ફૂલ ટ્રાફિકમાં પોલીસ વાહનચાલકોને અટકાવી દંડ વસુલતા નજરે ચઢે છે. જયારે કોંગ્રેસના કોર્પોરેટર મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ સતર્ક થઇ જાય છે અને તેમના સવાલોના જવાબ પણ આપી શક્તિ નથી.
કોર્પોરેટર જયારે બે પોલીસ જવાનને નામ પૂછે છે ત્યારે એક જવાન મગનભાઈ અને અન્ય શૈલેષભાઇ તરીકે ઓળખ આપે છે. આ વિડીયો પાંચ દિવસ જૂનો અને કતારગામ ગજેરા સર્કલનો હોવાનું ટ્રાફિક પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દિનેશ કાછડિયાએ બનાવેલા 9 મિનિટથી વધુના વીડિયોને કોઈકે હેલો એપ પર એડિટ કરી 3 મિનિટથી વધુનો બનાવી વાયરલ કર્યો છે.