બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો, સંતાનોને બચાવવા માતા-પિતા પોલીસ સ્ટેશને દોડી આવ્યા
સુરત
ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ દેખાય છે અને જાહેરમાં દારૂની મહેફિલો ધમધમતી હોવાથી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે. કચ્છમાં લગ્નપ્રસંગમાં દારૂથી સ્નાન કરાવતો વીડિયો વાયરલ થયા બાદ સુરતના ડુમ્મસ રોડ પર એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં 13 યુવતીઓ સહિત 52 લોકોની પોલીસે ધરપકડ કરી છે. સેટરડે નાઈટ પાર્ટીનો માહોલ જામ્યો હતો ત્યારે જે ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવતા મધરાતે નબીરાઓને બચાવવા માતા-પિતા દોડતા થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન બહાર વૈભવી ગાડીઓનો કાફલો ખડકાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સેટરડે નાઈટ અને લીપ યર (ફેબ્રુઆરી માસમાં 29મી તારીખ) પાર્ટી નીમિત્તે સુરતના ડુમ્મસ રોડ પર એક ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલી રહી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રંગમાં ભંગ પડ્યો હતો. 13 યુવતીઓ સહિત 52 શકમંદ લોકોને ઝડપી પાડી નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરવા લઈ જવાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી સાત હજારથી વધુનો વિદેશી દારુ પડક્યો હતો. ડઝન જેટલી ફોર વ્હીલર પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડુમ્મસ સ્થિત આર્શીવાદ ફાર્મ પર 29 ફેબ્રુઆરીના લીપ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પુરૂષો સાથે કેટલીક યુવતીઓને પણ આમંત્રિત કરાઈ હતી. દરોડાને પગલે પોલીસ સ્ટેશન ખાતે કારોના કાફલા ઉતરી આવ્યા હતા અને સંતાનોને બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં માતા-પિતા પોલીસ અધિકારીઓને આજીજી પણ કરતા નજરે પડ્યા હતા. કેટલીક માતાઓ પોલીસ સ્ટેશન બહાર રડી પડી હતી.