સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ પર સવારે 08:15 પહોંચ્યા હતા.એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.અરવિંદ કેજરીવાલનું દબદબાભેર સ્વાગત સુરત એરપોર્ટ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કેજરીવાલનો નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો.જેમાં અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરોને સૂચન કર્યું કે, કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમને નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.
સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી.જેમાં તેમણે કોર્પોરેશનમાં ચુંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરોને સૂચન કર્યું કે કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમને નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.સત્તાધીશો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે તેની ખાસ તકેદારી રાખજો.પ્રજાના પ્રશ્નોને જબરજસ્ત રીતે કોર્પોરેશનમાં ઉઠાવજો લોકોને પ્રાથમિક સુવિધા મળે તેના માટે 24 કલાક કાર્યરત રહેવાનું સૂચન કર્યું.
પાટીલનું નામ લીધા વગર નિશાન તાક્યું
દરેક કોર્પોરેટરે પોતાના વર્લ્ડમાં ઓફિસ શરૂ કરવા માટે તેમણે ટકોર કરી સૂચન કર્યું જોવો ઓફિસ શરૂ કરવા માટે આર્થિક સ્થિતિ સારી ન હોય તો પોતાના ઘરમાં જ એક નાની ઓફિસ શરૂ કરો કોઈપણ વ્યક્તિ સમસ્યા લઈને આવે તો એની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરો કોઇપણ વ્યક્તિ જે તમારી પાસે સમસ્યા લઈને આવે,તેનું અપમાન કરશો નહીં.આવનાર વ્યક્તિને ચા પીવડાવી ધીરજપૂર્વક તેની સમસ્યા સાંભળજો અને તેને ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરજો.સી આર પાટીલનું નામ લીધા વગર અરવિંદ કેજરીવાલે તેમના પર નિશાન તાક્યું હતું.ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી છે ભાઈ આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે.તેમને તમારા કામથી જવાબ આપી દો કે આમ આદમી પાર્ટીનો એક એક કોર્પોરેટર દસ બરાબર છે.
અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો.સર્કિટ હાઉસ ખાતે તેઓ શહેરના સમાજસેવી વેપારીઓ,વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.સુરત એરપોર્ટ પર પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.તેમણે મીડિયા સાથે વાત ન કરી સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા.