– ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા
સુરત : વિવાદોમાં ઘેરાયેલી સુરત પોલીસ વચ્ચે સચિન પોલીસની PCR વાનનો વીડિયો વાઇરલ થયો છે.હંગામો તો ત્યારે શરૂ થયો હતો જ્યારે દેખ દેખ તેરા બાપ આયા સોંગ ઉપર બનેલો આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોલીસ નહીં હોવાનું બહાર આવ્યું હતું.પોલીસની વાનમાં ખાનગી વ્યક્તિએ બનાવેલા આ વીડિયોને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
શહેરના યુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલુ લાગ્યું છે.પ્રજા તો ઠીક પરંતુ પોલીસ પણ સોશિયલ મીડિયાને રવાડે ચઢી ગઇ હોય તેમ પોલીસની PCR વાનનો વીડિયો વાઇરલ થયો હતો.ફિલ્મી સોંગ ઉપર PCR વાન ચલાવીને આવતો એક યુવાન ખાનગી કપડામાં દેખાઇ આવ્યો હતો.સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલા આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.આ વાન સુરત પોલીસના સચિન પોલીસ મથકની હોવાની વાત બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો.
પોલીસે PCR વાનમાં વીડિયો બનાવ્યો તેની તપાસ વચ્ચે પોલીસની વાન ચલાવનાર વ્યક્તિ પોલીસ નહીં પરંતુ ખાનગી વ્યક્તિ હોવાનું બહાર આવતાં ભારે હંગામો મચ્યો હતો.અધિકારીઓ દ્વારા ઉતાવળે તપાસના આદેશ છૂટ્યા હતા.આ વાન પોલીસને બદલે ખાનગી વ્યક્તિ પાસે કેવી રીતે ગઇ તેને લઇને પણ તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
એ.સી.પી. જય પંડ્યાએ આ પ્રકરણની તપાસ હાથ ધરી હતી.જેમાં આ વીડિયો ગત બુધવારે બન્યો હોવાનું બહાર આવ્યું હતું.પલસાણા ટી-પોઇન્ટ ઉપર આવેલી હોટેલમાં PCR વાનના કર્મચારીઓ નાસ્તા માટે રોકાયા હતા.વાનમાં અવાજ આવતો હોય તે બતાવવા માટે વાનનો આઉટ સોર્સનો ડ્રાઇવર બતાવવા માટે ગેરેજમાં લઇ ગયો હતો.તેનો લાભ લઇને અહીં કામ કરતાં આકાશ શર્મા (રહે. સચિન સ્લમબોર્ડ)ને બતાવવા આપી હતી.ચેક કરવાના બહાને ટેસ્ટ માટે લઇ ગયો તે દરમિયાન આકાશે વીડિયો બનાવી લીધો હતો.પોલીસે તેની વિરુદ્ધ માસ્ક અને સીટબેલ્ટ નહીં પહેરવા બદલ કાર્યવાહી કરી છે.