– સિમેન્ટ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકુળ અસર
– સિમેન્ટ પ્લાન્ટને કારણે ભારે વાહનોની અવરજવરને પગલે અકસ્માતની પણ ભીતિ
સુરત,તા.10 એપ્રિલ 2023,સોમવાર : સુરતના સરથાણા ખાતે આવેલ સોસાયટીના રહેવાસીઓ દ્વારા રેસીડેન્સ વિસ્તારમાં ચાલતાં સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ વિરૂદ્ધ આજે મોરચો કાઢવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં રસ્તા પર ઉમટેલી મહિલાઓએ વહીવટી તંત્રના મેળાપીપણામાં આ સિમેન્ટ પ્લાન્ટ ચાલતો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સ્થાનીક ધારાસભ્ય સહિત મહાનગર પાલિકાના તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં આ પ્લાન્ટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવતાં આસપાસના વિસ્તારના નાગરિકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
#Surat #Sarthana #CementReadyMixPlant #protests pic.twitter.com/6x5pvewhWJ
— Hindustan Mirror (@MirrorHindustan) April 10, 2023
સરથાણાના શ્યામધામ મંદિરની બાજુમાં આવેલ પંચવટી હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.સ્થાનિકોએ બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, રેસીડેન્સ વિસ્તાર હોવા છતાં અહિંયા છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ ધમધમી રહ્યો છે.જેને કારણે ભારે વાહનોની અવર જવરને પગલે અકસ્માતની કાયમી ભીતિ સતાવી રહી છે.આ સિવાય સિમેન્ટ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકુળ અસર પડી રહી છે.આ અંગે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા સિમેન્ટ પ્લાન્ટ વિરૂદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

