સુરત : સુરત સહિત રાજ્યમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે સુરતમાં નવમું ભણેલાં 32 વર્ષીય કડિયા યુવાને પોતાના ડ્રામેટિકલી ફની એટ નૌટંકી બાજના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોતે આપઘાત કરવા જઇ રહ્યાનું લખી ગુમ થઇ જતાં સુરત શહેર અને જિલ્લા પોલીસ ધંધે લાગી હતી. સોમવારે બપોરેથી ગુમ યુવાનને મંગળવારે બપોરે વાપી હાઇ-વે ઉપરથી શોધી કાઢવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બી.જે.પી. મિડીયા સેલના પ્રમુખ હરિ અરોરાને ભૂમિકા શાહ અને ધવલ પટેલે એક ટ્વીટ મેસેજ મોકલ્યો હતો. ડ્રામેટિકલી ફની એટ નૌટંકી બાજના નામે ટ્વીટર એકાઉન્ટ બનાવનાર ગીરીશ અમરસિંહ સાપરીયા(ઉ.વ. 32)એ પોતાના એકાઉન્ટમાં ‘મેરીં જિંદગી કા સફર યહીં તક થા, સફર ભી ખતમ ઔર કામ ભી. હંમેશા કે લીયે ગહરી નીંદમેં સો જાના હૈ. કોઇ ગલતી યા મૈંને કભી કીસીકી દીલ દુખાયા હૈ તો માફ કર દેના, ઔર હાં કભી કભી યાદ કરતે રહેના નહિ તો સપને મેં આઉંગા’
હરિ અરોરાએ પોલીસ કમિશનરને જાણ કરી હતી.પોલીસ કમિશનર અજય તોમરે મામલાની ગંભીરતાને લઇ આ યુવાનનું સરનામું સંત તુકારામ સોસાયટીનું હોઇ અડાજણ અને રાંદેર પોલીસને કામે લગાડી હતી.ત્રણ વર્ષ પહેલાં જ આ પરિવાર ઓલપાડના માસમા ગામે શિફ્ટ થયું હોવાની સાથે તે સોમવારે તેની ભાભી સાથે અઠવા વિસ્તારમાં રસી લીધા બાદ ગુમ થયો હોઇ અઠવા અને ઉમરા પોલીસને પણ કામે લગાડવાની સાથે રાંદેર પોલીસ ઇન્સપેક્ટર ચૌહાણે ઓલપાડ પોલીસને જાણ કરી હતી.
શહેર અને જિલ્લાની પોલીસની દોડાદોડી વચ્ચે વાપીથી મળ્યો
સુરત અને જિલ્લા પોલીસની દોડાદોડી વચ્ચે મંગળવારે આ યુવાને તેના ભાઇ અજયન ફોન કરી પોતે વાપી હાઇવે ઉપર હોવાનું જણાવ્યું હતું.જેને પગલે અજય પરિવારના અન્ય સભ્યો સાથે ત્યાં દોડી ગયો હતો અને રાત્રે ઓલપાડ લઇને આવવા નીકળ્યો હતો.


