સુરત : મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઈ સામે અમદાવાદ એસીબીએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.વિજય દેસાઈ હાલમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજવે છે.
છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટીડીઓ) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી.તે અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.
એસીબીની તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે,તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી.જેથી એસીબી તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે.તેની જાણ આજે પાલિકાના અધિકારીઓને થતાં તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.