– લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સામે વિરોધના બેનરો લાગ્યા
– લિંબાયત વિધાનસભાના ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અમે આ વખતે નોટામાં મત આપશું તેવું લખાણ બેનરમાં જોવા મળ્યું
– થોડા દિવસ પહેલા ડીંડોલી વિસ્તારની સોસાયટીમાં કોઈ નેતાએ પ્રવેશ કરવો નહીં એ પ્રકારના બેનરો લાગ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે.ક્યાંક મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે તો પક્ષોમાં પણ અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે.આ વચ્ચે સુરતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે.હાલ થોડા દિવસ પહેલા જ શહેરના ડીંડોલી વિસ્તારની સોસાયટીમાં કોઈ નેતાએ પ્રવેશ કરવો નહીં એ પ્રકારના બેનરો જોવા મળ્યા હતા ત્યાં ફરીવાર શહેરના લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સામે વિરોધના બેનરો જોવા મળી રહ્યા છે.
ભાજપનો ગઢ ગણાતા અને ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં તેમની સામે જ નારાજગી દર્શાવતા બેનરો જોવા મળ્યા છે. લિંબાયતના અલગ અલગ વિસ્તારો એટલે કે સંજયનગર,નીલગીરી સર્કલ પાસે મરાઠી ભાષામાં લખાણ કરેલા બેનરો જોવા મળ્યા હતા અને આ બેનરમાં પરિવર્તનની માંગ પણ કરવામાં આવી છે.મરાઠી ભાષામાં લગાવવામાં આવેલા આ બેનરમાં એવું લખવામાં આવ્યું છે. કે “ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પટેલ સાહેબ આ વખતે લિંબાયત વિધાનસભાના ઉમેદવારમાં વર્તન જોઈએ” અને જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અમે આ વખતે નોટામાં મત આપીશું.
શહેરના વિસ્તારમાં વિરોધના સૂર સાથે લગાવવામાં આવેલા આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવ્યા તે તો હાલ જાણી શકાતું નથી પરંતુ ભાજપના જ અસંતુષ્ટ કાર્યકરો દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.તો બીજી તરફ ભાજપના ગઢ ગણાતા અને મરાઠી મતદારોનું વર્ચસ્વ ધરાવતા લિંબાયત વિસ્તારમાં જ મરાઠી ધારાસભ્ય સંગીતા પાટીલ સામે આ પ્રકારના બેનરો લાગતા રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ટર્મથી સંગીતા પાટીલ લિંબાયત વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે.ક્યારે વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય સંગીતા પાટીલની ઉમેદવાર તરીકે ઘોષણા થતાં પક્ષના જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં ફરીવાર આ પ્રકારના બેનરો લાગતા સંગીતા પાટીલ સામે નારાજગીનો સુર સાંભળવા મળ્યો છે.

