સુરત,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકોને ઈજા થઇ હતી.જેમાં એકનું મોત નીપજ્યું છે.બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની કૈલાશ ગંગારામ વાઘડીયા (ઉ.23) અઠવાડિયા અગાઉ પરિવાર સાથે ઉતરાયણ નિમિતે સુરતમાં ફુગ્ગા વેચવા આવ્યો હતો.કૈલાશ સહીતના પરિવારના સભ્યો પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મહાવીર મોબાઈલ સર્કલ પાસે રોકાયા હતા. 14મીએ મળસ્કે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કૈલાશ ફુગ્ગામાં ગેસ ભરી રહ્યો હતો,તે વેળાએ અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.જેમાં કૈલાશને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી,જયારે તેની નજીકમાં બેસેલા સાવંત વાઘડીયા (ઉ.35) અને ભેરુ વાઘડીયા (ઉ.16)ને પણ ઈજાઓ થઇ હતી.બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન કૈલાશનું મોત નીપજ્યું હતું.વધુમાં નાઈટ્રોજન ગેસ બનાવવા માટે કાર્બન પાણી અને ચૂનાનો ઉપયોગ કરતા હતા.સિલિન્ડરમાં પ્રેશર વધી જતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.