ફેસબુક ઉપર ફ્રેન્ડ અને ફ્રેન્ડમાંથી પ્રેમી બનેલા યુવાન સાથે બ્રેકઅપ થઇ જતાં સતત હેરેસમેન્ટ કરતાં પ્રેમીએ યુવતીની બે વર્ષમાં બે વખત સગાઇ તોડાવી નાંખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે પૂર્વ પ્રેમીની ધરપકડ કરી હતી.
સગરામપુરા વિસ્તારમાં રહેતાં અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલાં કારખાનેદારની બી.સી.એ. કરતી 19 વર્ષીય પુત્રીને ગોપીપુરા નાની છીપવાડમાં રહેતાં સોહન ઉર્ફે સન્ની રાજુ સુરાના સાથે ચાર વર્ષ પહેલાં ફેસબુક ઉપર પરિચય બાદ પ્રેમ થઇ ગયો હતો.જોકે થોડાંક સમયમાં જ બંનેનું બ્રેક અપ થઇ ગયું હતું. બ્રેક અપ થઇ ગયું હોવા છતાં યુવતીને પોતાની સાથે સંબંધો રાખવા માટે આ યુવાન સતત તેને પરેશાન કરતો હોવાની સાથે યુવતીના પિતાને પણ ધાક ધમકીઓ આપતો હતો.
દરમ્યાન એકાદ વર્ષ પહેલાં સમાજના યુવાન સાથે આ યુવતીની સગાઇ થઇ હતી.જેની જાણ આ યુવાનને થતાં તે યુવતીના ભાવિ પતિ અને તેના પિતા પાસે પહોંચી ગયો હતો. આ યુવતી સાથે પોતે પાડેલી સેલ્ફીના ફોટો બતાવતાં આ છોકરાવાળાએ સગાઇ તોડી નાંખી હતી.એકાદ વર્ષ બાદ બીજાં યુવાન સાથે આ યુવતીની સગાઇ થઇ હતી.જોકે તે પણ તૂટી જતાં સોહનનું જ કારસ્તાન હોવાની શંકા સાથે યુવતી અઠવા પોલીસ મથકે પહોંચી હતી.પોલીસે છેડતી અને ધાકધમકીના ગુનાસર સોહન સુરાનની ધરપકડ કરી હતી.સબ ઇન્સપેક્ટર કે.ડી. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.


