સુરત : નવસારીના સાંસદ સી.આર.પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા પછી બીજા કોઈ નેતાને આ સન્માન મળ્યું હોવાથી શુક્રવારે તેઓ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર આવી રહ્યા છે.શુક્રવારે એટેલે કે આજે તેમના સ્વાગતમાં શહેર ભાજપ તરફથી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.ભાજપની આ રેલી સામે કૉંગ્રેસ પાર્ટીએ પહેલા કોરોના કાળમાં રેલીને મંજૂરી ન આપવી જોઈએ તેવું આવેદન કલેકટરને આપ્યું હતું.જોકે,મોડી સાંજે અચાનક ભાજપની રેલી સામે કૉંગ્રેસના હાલમાં જ કાર્યકારી અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલની રેલી માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી છે.બે ઓગસ્ટના રોજ હાર્દિક પટેલ સુરત આવી રહ્યા છે.
ભાજપ તરફથી પહેલા સી. આર.પાટીલની કાર રેલીનો રૂટ એરપોર્ટથી તેમના જ મત વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો.પરંતુ ત્યાર બાદ ભાજપ તરફથી એ રૂટને બદલીને અડધા શહેરમાં રેલી કાઢવાનો નિર્ણય કરાયો છે.ખાસ કરીને મોટાભાગનો પાટીદાર વિસ્તાર આ રૂટમાં આવરી લેવામાં આવ્યો છે.વરાછા,સરથાણા, કતારગામ ઉપરાંત સીટીનો વિસ્તાર પણ રેલીમાં આવરી લેવામાં આવ્યો છે.આ રેલી 30 કિ.મી. લાંબી હશે.આ રેલીના આયોજનના ગણતરીના કલાકો પહેલા જ કૉંગ્રેસ દ્વારા પણ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની રેલી માટેની પરવાનગી માંગવામાં આવી છે.
કૉંગ્રેસ તરફથી હાર્દિક પટેલની જે કાર રેલીની મંજૂરી માંગવામાં આવી છે જેમાં પણ પાટીદાર વિસ્તારમાં રૂટનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ માટે સરથાણાથી માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમા સુધી રેલી માટે પરમિશન માંગવામાં આવી છે.ત્યારબાદ એક અભિવાદન કાર્યક્રમની પણ મંજૂરી માંગવામાં આવી છે.
કૉંગ્રેસ દ્વારા પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે કોરોના માટેની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે.એટલે એક વાત ચોકસ છે કે કોંગ્રેસ દ્વારા ભાજપની આ રેલી નહીં થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ભાજપને રેલીની પરમિશન મળે તો તેમને કેમ નહીં? જેવો સવાલ ઊભો કરીને ભાજપની રેલી સામે કૉંગ્રેસે રેલીની પરમિશન માંગીને ‘વાર’ કર્યો છે.