સુરત : સુરત શહેરમાં વધી રહેલા કેસને ધ્યાને લઈને સુરત કોર્પોરેશન સમયાંતરે તમામ ઝોનમાં વેપારીઓ તથા લોકો સાથે સીધા સંપર્કમાં આવતા લોકોનું ટેસ્ટિંગ કરે છે.રવિવારે તા.4 એપ્રિલના રોજ સંક્રમણ પર લગામ ખેંચવા માટે તમામ ઝોનમાં આવેલા મંદિર,મસ્જીદ તથા ચર્ચામાં રહેલા ધર્મગુરૂ તથા પૂજારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું.જેમાં સેન્ટ્રલ ઝોનમાં 23,વરાછા એ ઝોનમાં 40, વરાછા બી ઝોનમાં 118 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.
જ્યારે રાંદેર ઝોનમાં 54 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.જેમાંથી 4 વ્યક્તિઓના રીપોર્ટ પોઝિટિવ મળ્યા હતા.જ્યારે ઉધના ઝોનમાં 57 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.જેમાંથી 5 લોકો પોઝિટિવ મળ્યા હતા. અઠવા ઝોનમાં 223 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું જેમાંથી ત્રણ વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.લિંબાયત ઝોનમાં 48 અને કતારગામ ઝોનમાં 76 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. કુલ 639 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 12 વ્યક્તિઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.સુરત શહેરમાંથી તા.4 એપ્રિલના રોજ નવા 545 કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 52275 સુધી પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા તરફથી એક્ટિવ સર્વેલન્સ દરમિયાન 2094 ટીમ તરફથી 1096869 લોકોની તપાસ કરવામાં આવી હતી.જ્યારે APX સર્વેમાં 343095 ઘરનો સર્વે કરી કુલ 1096869 લોકોનો સર્વે થયો હતો.શહેરના તમામ ઝોનમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કેટલાક લોકો ટેસ્ટ કરાવતા નથી એના કારણે સંક્રમણ વધી રહ્યું છે.દિવસે દિવસે સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ વકરી રહી છે.ધન્વંતરી રથ થકી જુદા જુદા વિસ્તારોમાં જઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
ધન્વંતરી રથના જુદા જુદા રૂટની માહિતી https://tinyurl.com/DhanvantariRathPlan પરથી મળી રહેશે.જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમ સેન્ટરની માહિતી સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ https://tinyurl.com/SMCTestingCenters પરથી મળી રહેશે.માત્ર સુરત જ નહીં રાજ્યના ચારેય મહાનગરમાં સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે.રાજકોટ શહેરમાં પણ દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થતો જાય છે. હાલ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે જગ્યા ખાલી નથી.જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.જ્યારે ટેસ્ટ સેન્ટરના સુત્રોમાંથી એવી પણ વિગત સામે આવી હતી કે, હવે ટેસ્ટ પોઝિટિવ આવતા લોકો પોતાના ઘરે ક્વોરેન્ટાઈન રહેવાનું પસંદ કરી રહ્યા છે.જ્યારે 14 દિવસ પછી ફરી રીપોર્ટ કરાવવા માટે આવે ત્યારે તબીબોનું માર્ગદર્શન લે છે.


