– પાલિકાની શબવાહિની,કોન્ટ્રાક્ટની શબ વાહિની બાદ સ્કૂલ વાનનો ઉપયોગ
સુરત : કોરોના મહામારીના બીજા વેવમાં રોજ રોજ સિવિલ, સ્મિમેર સહિતની હોસ્પિટલમાં મોતના આંકડા વધતા જાય છે.કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ સહિતના મૃતદેહોને અંતિમ વિધિ માટે સ્મશાન લઈ જતી શબ વાહિનીની અછત સર્જાય તેટલા રોજના મોત થઈ રહ્યાં છે.ત્યારે આવી સ્થિતિમાં પાલિકાની શબ વાહિનીની સાથે સાથે 108 એમ્બ્યુલન્સ જે ઉપયોગમાં નથી લેવાતી તેનો પણ શબ વાહિની તરીકે ઉપયોગ કરાય છે.ત્યારે હવે વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જતી સ્કૂલ વાનનો પણ શબવાહિની તરીકે ઉપયોગ કરવાની નોબત આવી ગઈ છે.
સુરત મહા નગરપાલિકાના ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું કે, તેમની પાસે પાલિકાની 11 શબવાહિની અને કોન્ટ્રાકટની 14 શબવાહિનીઓ હાલ આ માહામારીમાં કામ કરી રહી છે.જ્યારે પાલિકાની 12 અને કોન્ટ્રાકટ ની 7 એમ્બ્યુલન્સ હાલ સેવા આપી રહી છે.
દિપક સપકાલે (ફાયર ઓફિસર અને કોવિડના દર્દીઓ અને શબવાહિનીની જવાબદારી) એ જણાવ્યું હતું કે, પાલિકાએ કોવિડના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા બે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે.બાલુભાઈ કોન્ટ્રાક્ટરને 18 એમ્બ્યુલન્સ અને શબવાહિની અને દેસાઈ ઓટોને 21 એમ્બ્યુલન્સ અને શબ વાહિનીનો કોન્ટ્રાકટ અપાયો છે.સ્કૂલ વાનમાં શબ લઈ જવાની વાત પર દિપકભાઈએ કહ્યું હતું કે, લગભગ આ કામગીરી વર્કશોપમાંથી નક્કી કરાઈ છે મને કંઈ ખબર નથી.
સ્કૂલ વાનમાં મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવાના કિસ્સામાં પાલિકાના જવાબદાર અધિકારીઓ એક બીજાને ખો આપતા દેખાયા હતા.વર્કશોપના SO મનોજભાઈએ આસી. ઈજનેર આનંદ પટેલને ખબર હશે,મને કશી ખબર નથી.જ્યારે આનંદ પટેલે ડેપ્યુટી ઈજનેર આશિષ દેસાઈને ખબર હશે એમ કહ્યું હતું.આખરે આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે, મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવા 4 સ્કૂલ વાન અને દર્દીઓને લઈ જવા 3 ઇકો કાર ભાડે લઈ ફાયરને અપાઈ છે.હવે આ ચારેય ગાડીઓનું સંચાલન ફાયર વિભાગ કરશે,જ્યારે ફાયરના કોવિડ કન્ટ્રોલ વિભાગમાં ઇન્ચાર્જ દિપક સપકાલે આ બાબત ની કશી પણ ખબર ન હોય તેમ તેમણે કહ્યું કે,આ કામગીરી મારી પાસે નથી વર્કશોપના મનોજભાઈનો નંબર આપી હાથ ઊંચા કરી દીધાં હતાં.


