સુરત : સુરત શહેરના દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને એક મહિલા અને તેના મિત્રએ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે.સમગ્ર ઘટનાને નજરે જોનાર દુકાનદારની મદદથી પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
સુરત શહેરના દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને એક મહિલા અને તેના મિત્રએ માર મારી રહ્યા હતા અને બાદમાં મહિલા સાથે રહેલા ઇસમેં અજાણ્યા યુવકને ચપ્પુ કાઢી પેટના ભાગે મારી દીધું હતું.ચપ્પુથી પેટ અને છાતીના ભાગે ઇજા થતા અજાણ્યા યુવાન લોહીથી લથબથ થઇ ગયો હતો અને રોડ ક્રોસ કરતી વખતે ત્યાં જ ઢળી પડયો હતો.ઘટનાની જાણ થતા મહિધરપુરા પોલીસ તુરંત જ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું.
પોલીસે આસપાસ રહેલી દુકાનોમાં પૂછપરછ કરતા મહિલાનું નામ હીના હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની સાથે ૨૫ થી ૩૦ વર્ષ જેને શરીરે કાળા જેવા રંગનું જેકેટ પહેરેલ ઇસમ હતો.આ ઉપરાંત પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા પણ તપસ્યા હતા.જેમાં હીના નામની મહિલા યુવકને લાત મારતા નજરે ચડી હતી.
આ બનાવને લઈને મહિધરપુરા પોલીસે ઘટનાને નજરે જોનાર દુકાન માલિક કમલેશકુમાર શકઠુલાલ ગુપ્તાની ફરિયાદ લઇ હીના નામની મહિલા અને તેની સાથે રહેલા અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.