સુરત : રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો.હોસ્પિટલોની બહાર દર્દીઓને બેડ માટે વેઇટિંગ કરવું પડ્યું હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.આ ઉપરાંત હોસ્પિટલની બહાર હોસ્પિટલમાં દાખલ થવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.તો સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવા માટે દર્દીના સગા સંબંધીઓની લાઈનો જોવા મળી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે.કોરોનાની મહામારી વચ્ચે સુરક્ષિત રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવાનું કહેવામાં આવે છે પરંતુ રાજ્યમાં હવે વેક્સીનેશન માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્યમાં ઘણા વેક્સીનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક વેક્સીનેશન સેન્ટર પર લોકો 5થી 6 વાર ધક્કા ખાધા હોવા છતાં પણ વેક્સીન મળતી નથી.ત્યારે સુરતમાં વેક્સીનેશન સેન્ટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના લોકોને વેક્સીન આપતા હોવાની વાત સામે આવતા ભાજપના કાર્યકર્તાઓ વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને તેમને હોબાળો કર્યો હતો.
મહત્ત્વની વાત છે કે, ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી મહેશ સવાણી,પત્રકાર ઈશુદાન ગઢવી અને આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ભાજપના
કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યા હોવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવે છે.ત્યારે આવું જ કંઈક ફરી એક વખત સુરતમાં પણ સામે આવ્યું છે.સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર પર વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી હતી.
તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના સંબંધી અને મિત્રોના નામ આપીને ટોકન લીધા હોવાનો આરોપ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો.આ બાબતે ભાજપના કાર્યકર્તાઓ વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા.
યોગીચોકના હેલ્થ સેન્ટર પર ભાજપના કાર્યકર્તા પહોંચીને આક્ષેપ કર્યો હતો કે, 200 લોકોને એક સેન્ટર પર વેક્સીન આપવામાં આવે છે.છતાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના લાગતા વળગતા લોકોને ટોકન આપીને વેક્સીનેશન કરાવવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ હેલ્થ સેન્ટર પર રાજકીય પક્ષોના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હોવાની વાત પોલીસને જાણવા મળતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો.


