સુરત,તા.12 જાન્યુઆરી 2023,ગુરુવાર : રોજગારીની શોધમાં સુરત આવેલા અને સચિન વિસ્તારમાં રહેતા 17 વર્ષીય તરુણે નોકરી નહીં મળતા ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.તરુણે આપઘાત પહેલા પરિવારને સંબોધી સુસાઈડ નોટ પણ લખી હતી.બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના કલ્યાણપુરનો રહેવાસી 17 વર્ષીય રામલખન નથુપ્રસાદ શ્રીવાસ ધો. 12 નો અભ્યાસ છોડી નોકરીની શોધમાં લાગી ગયો હતો.તે તેના વતનથી દિલ્હી ખાતે નોકરીની શોધમાં ગયો હતો પરંતુ ત્યાં નોકરી નહીં મળતા તે સુરતના સચિન વિસ્તાર ખાતે રહેતા મામાના દીકરાને ત્યાં રહેવા આવ્યો હતો.આ દરમિયાન સુરતમાં પણ તેની ઉમર નાની હોય નોકરી મળી ન હતી.જેને કારણે તરુણ હતાશ થઇ ગયો હતો.તેણે ઘરમાં જ પંખાના હુક સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.બીજી તરફ બનાવની જાણ મામાના દીકરાને થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.વધુમાં તરુણે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી.આ સ્યુસાઇડ નોટમાં તેણે પિતા અને ભાઇને ઉદ્દેશીને લખ્યું હતું કે, પાપા મુજે માફ કર દેના, મેં આપકા સાથ છોડ કે જા રહા હું, મુજે પતા હે આપ મુજસે બહુત પ્યાર કરતે હે, શાયદ હી દુનિયામાં કોઇ કરતા હોગા, પાપા મેં આપકા બહુત બડા આભારી હું. સહીતની વાતો લખી હતી.
વધુમાં તરુણના પિતા વતનમાં પ્રાઈવેટ સ્કુલમાં શિક્ષક છે તેને અન્ય 3 બહેન અને એક ભાઈ છે.મૃતક તરુણ મોટો પુત્ર હતો.આ ઉપરાંત પિતાના ટુંકા પગારમાં ચાર પાંચ ભાઇ-બહેન અને માતા-પિતા તથા દાદી સહિતના પરિવારનું ગુજરાન ચલાવવું કપરૂ છે.પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તે અભ્યાસ છોડી નોકરીની શોધમાં લાગી ગયો હતો.સુરતમાં તે એક સપ્તાહ અગાઉ જ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.તેના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.