– મુનમુન દત્તા ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં યુવિકા ચૌધરીના વીડિયોથી હોબાળો
સુરત : જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને તારક મહેતાની મુનમુન સેન ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગ માટે બનાવેલા વીડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો,જેથી હરિજન અને વાલ્મીકિ સમાજની લાગણી દુભાઈ હતી,જેથી સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવી કલેકટર કચેરીની બહાર ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો,જેથી પોલીસે તમામની અટકાયત કરી લીધી છે.
મુનમુન દત્તા બાદ હવે યુવિકા ચૌધરીએ વીડિયો બનાવતા સમયે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો,જેને લઇને ફરી એક વખત વાલ્મીકિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.યુવિકા ચૌધરી જેવી અભિનેત્રી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે એ યોગ્ય નથી.આ શબ્દનો ઉપયોગથી સમાજના લોકોનું અપમાન થાય છે અને લાગણી દુભાઈ છે,પરંતુ જાણે અભિનેત્રીઓને કોઇ સમાજની પરવા ન હોય તે રીતે તેઓ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે,જેથી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
યુવિકા ચૌધરી જેવી જાણીતી અભિનેત્રી દ્વારા વાલ્મીકિ સમાજનું અપમાન કરાતાં સ્વાભિમાની સંસ્થાના પ્રમુખ કિરીટ વાઘેલા,રિતેશ સોલંકી અને પૂનમ હરિજને દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.વાલ્મીકિ સમાજના અન્ય લોકો કાળી પટ્ટી પહેરીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા.વિરોધ કરવામાં આવનારના હાથમાં બોટલમાં દવા લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું.દવા પીવાની શરૂઆત કરતાં જ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
વિરોધ કરનારાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે હાથમાં લાવેલી બોટલમાંથી ઝેર કે અન્ય કોઈ ઝેરી દ્રવ્ય પીવાનું શરૂ કરતાં જ પોલીસ દોડતી થઇ ગઇ હતી.થોડીવાર માટે જિલ્લા સેવા સદન ખાતે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસે વિરોધ કરવા આવનારને ડિટેન કરી લીધા હતા.તારક મહેતાની અભિનેત્રી મુનમુન દત્તા દ્વારા જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યા બાદ યુવિકા ચૌધરીએ પણ એ જ શબ્દનો ઉપયોગ કર્યો છે.મુનમુન દત્તાને લઈને વાલ્મીકિ સમાજના સ્વાભિમાની સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અન્નનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા હતા,ત્યાં જ યુવિકા ચૌધરીને લઈને પણ હવે વિરોધ શરૂ થયો છે.


