સુરત, 1 માર્ચ 2023 બુધવાર : સુરતના પુણા વિસ્તારમાં મંડપના કાપડ વેપારીની ગાડીમાંથી 11.70 લાખ ભરેલા બેગની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના વેસુ કેનાલ રોડ પર રહેતા સુરેશકુમાર મોતીલાલ બગ્રેચા પુણા સ્થિત આઈમાતા પાસે આવેલા રઘુવીર બીઝનેસ એમ્પાયરમાં મંડપના કાપડનો વેપાર કરે છે.ગતરોજ તેઓ તેમના પિતા સાથે ઘરેથી દુકાને જવા માટે નીકળ્યા હતા ત્યારે 11.70 લાખની રોકડ બેંકમાં ભરવા માટે બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટ પર મૂકી હતી.તેઓ પર્વત પાટિયા કબુતર સર્કલ પાસે આવેલી ફાધર સન સ્કુલની સામે દુકાનના કામ માટે સ્ટેશનરી લેવા ઉભા હતા અને તેઓએ ત્યાં કાર પાર્ક કરી હતી.સુરેશભાઈ કારમાં બેઠા હતા જયારે તેઓના પિતા સ્ટેશનરી લેવા ગયા હતા.આ સમયે સુરેશભાઈ કારમાં બેઠા હતા.તે સમયે એક બાદ એક એમ બે 20 થી 22 વર્ષના યુવકોએ ગાડીના બોનેટ સામે ઈશારો કર્યો હતો પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું ન હતું.
સુરેશભાઈના પિતાજી સ્ટેશનરી લઈને આવ્યા હતા અને તેઓએ સ્ટેશનરી ગાડીમાં મૂકી હતી.તે સમયે એક ત્રીજા ઇસમે સુરેશભાઈના પિતાને બોનેટ પર ઓઈલ પડ્યું હોવાની વાત કરી હતી.જેથી સુરેશ ભાઈને પિતાએ બોનેટ ચેક કરવાનું કહેતા ગાડીમાંથી ઉતરી ચેક કર્યું હતું.જ્યાં બોનેટના નીચેના ભાગે ઓઈલ પડેલું હતું. જેથી તેમણે ગાડીના આગળનું બોનેટ ખોલીને ચેક કર્યું હતું.જેમાં ગાડીમાંથી કોઈ ઓઈલ પડતું ન હતું અને તેમણે બોનેટ બંધ કર્યું હતું.તેમના પિતાને શંકા જતા તેમણે ગાડીમાં રહેલી બેગ ચેક કરવાનું કહેતા સુરેશ ભાઈએ જોયું તો ગાડીમાં 11.70 લાખ ભરેલી બેગ ન હતી.આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.જેમાં જોઈ શકાય છે કે એક ઇસમ ગાડીમાંથી બેગ કાઢી લે છે અને બાદમાં તેની સાથે આવેલા અન્ય એક ઇસમ સાથે બાઈક પર બેસી ફરાર થઇ જાય છે.આ ઘટનામાં સુરેશભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત બેગમાં 11.70 લાખની રોકડની સાથે ચેકબુક તથા પાસબુક પણ હતી.આ સમગ્ર મામલે પુણા પોલીસે સુરેશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.