સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે.આપઘાત કરતા પહેલા યુવકે માતાને વોટ્સએપ પર એક મેસેજ લખ્યો હતો અને તેમાં સોરી લખ્યું હતું.આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાનો ચાર દિવસ પહેલાજ જન્મ દિવસ હતો.યુવાન પુત્રએ આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે.આવી જ એક ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે.મળતી માહિતી મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હાર્દીક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો.આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો.બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું.આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
મૃતકના ભાઈ અજયે જાણાવ્યું હતું કે, હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જોયું તો ભાઈ ફાંસી પર લટકતો હતો.મેં નીચે ઉતારી માતાને જાણ કરી હતી.તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો અને 18 વર્ષ પુરા થયા હતા.તેણે મમ્મી પાસે પૈસા માંગ્યા હતા, મમ્મીએ પૈસા નથી તેમ જણાવ્યું હતું.ત્યારબાદ તેણે મમ્મીને સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો.મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉમર થઇ ગઇ છે,કઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું.
આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.દીકરાના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.