સુરત,તા.12 જાન્યુઆરી 2023,ગુરુવાર : હાલ ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે ગત 23મી ડિસેમ્બરના રોજ સુરતના ઉધના વિસ્તારમાં રાજસ્થાની યુવક દ્વારા ફાંસો ખાઈને આપઘાત કરી લેવાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.રૂપિયાની લેતી-દેતીમાં આપઘાત કરી લેનારા યુવકે સ્યૂસાઈડ નોટ લખીને પોતાની પીડા વ્યક્ત કરી હતી.આ સાથે જ પોતાની આપવીતી આત્મહત્યા કરતા પહેલા અંતિમ વીડિયો બનાવી તેના મિત્રને મોકલ્યો હતો.ઉધના પોલીસે હાલ તો આ મામલે તેના બનેવી અને અન્ય 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનેવી દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણીમાં સાળાનો આપઘાત
સુરતના ઉધના વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી દીનારામ જાટ નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના બની હતી.આ ઘટનામાં અંદાજે 20 દિવસ બાદ ચોકાવનારી વિગતો સામે આવી છે.એકતરફ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ મુહીમ ઉપાડી છે અને વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવવા માટેની ઝૂંબેશ ચલાવી રહી છે,ત્યાં બીજી તરફ સુરતમાંથી આ જ પ્રકારે રૂપિયાની લેતીદેતીમાં પઠાણી ઉઘરાણી કરાતા મૂળ રાજસ્થાનના અને સુરતમાં એક વર્ષથી વધુ સમયથી રહેતા દીનારામ જાટ દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસે રહેતા રાજસ્થાની યુવકે વીડિયો બનાવી ગળે ફાંસો ખાધો : જુઓ વિડિઓ #Surat #Live #Crime pic.twitter.com/dHI1Dz9uZu
— TheHindustanMirror (@HindustanMirror) January 12, 2023
અંદાજે 20 દિવસ પહેલા આપઘાત કરનાર યુવકના કેસમાં પોલીસે ગતરોજ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.જેમાં આ પઠાણી ઉઘરાણી બીજું કોઈ નહીં,પરંતુ તેના સગા બનેવી દ્વારા કરવામાં આવતી હતી.આ સાથે રાજસ્થાનના અન્ય 3 વ્યક્તિ દ્વારા પઠાણી ઉઘરાણી અને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી.આ અંગેની સ્યૂસાઈડ નોટ અને વીડીયો બનાવી આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું છે.
રૂપિયાની લેતીદેતીમાં આપઘાત
ઉધનામાં રૂપિયાની લેતીદેતી મામલે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.ગત 22 ડિસેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા યુવકે સ્યૂસાઈડ નોટ લખી મિત્રને વીડિયો પણ મોકલાયો હતો.દિનારામ ઉમારામ જાટ નામના રાજસ્થાની યુવકે આપઘાત કરી લીધો હતો.સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતીદેતીમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મૃતક ફર્નિચરનું કામ કરતો હતો
આપઘાત કરી લેનાર દીનારામ ફર્નિચરનું કામ કરતો હતો.સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતને લઈ માથાકૂટ ચાલતી હતી.બનેવી અમરારામ દ્વારા દિનારામને બાકી નીકળતા રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હતું.અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હતાં.ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સે 15 હજારના અવેજમાં 75 હજાર દીનારામ પાસે કઢાવ્યા હતા.આમ છતાં બાદમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા વધુ 1.50 લાખની ઉઘરાણી કાઢવામાં આવી હતી.
સુસાઈડ અગાઉનો વીડિયો સામે આવ્યો
મૃતકે સુસાઈડ કરતાં અગાઉ આપઘાત કરવા પાછળ આપવીતી વર્ણવતો વીડિયો બનાવ્યો હતો.આ વીડિયો તેના મિત્રને મોકલ્યો હતો.આ વીડિયોમાં તેને લખેલી સ્યૂસાઈડ નોટ પણ બતાવી હતી.આ સાથે જ ધ્રુસકે-ધ્રુસકે રડતાં કહ્યું હતું કે, જે પ્રોબ્લેમ છે એ આ કાગળમાં લખી નાખ્યો છે.મને એ લોકો ખૂબ હેરાન કરે છે.એમ પણ તે વારંવાર બોલતો વીડિયોમાં નજરે ચડે છે.
યુવકના મોતના 20 દિવસ બાદ તેના માતા-પિતા વતનથી આવ્યા છે.આ વીડિયો બનાવી તેના સુરતના મિત્રને મોકલ્યો હતો.જેમાં આપઘાત કરતા પહેલા દીનારામ જાટ વીડિયો બનાવીને પોતાની આપવીતી જણાવી રહ્યો છે.તેને તેના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ દ્વારા વારંવાર રૂપિયાને લઈને ધમકીઓ આપવામાં આવી રહી છે.તેવું તે રડતા રડતા જણાવી રહ્યો છે.આ ઉપરાંત તે પોતાના પરિવારની માફી પણ માંગી રહ્યો છે.આ સાથે 15000 રૂપિયાના દોઢ લાખ રૂપિયા ની ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તે માટે તે રોજના 50 કોલ કરી રહ્યો છે તેવું રડતા રડતા રાજસ્થાની ભાષામાં જણાવી રહ્યો છે.
અમારે ન્યાય જોઈએ-માતા
મૃતકની માતાએ નયનાદેવી જાટો રડતા-રડતાં કહ્યું કે, 20 દિવસથી રોટલી ખાવ તો પણ ધૂળ જેવી લાગે છે.અમારે કમાનાર આ એક જ દીકરો હતો.તેના પર જ ઘર ચાલતું હતું. અમારા દીકરાને ધાક ધમકી અપાતી હતી.ન્યાયની માગ જ અમે કરી રહ્યા છીએ.અમારા દીકરાને આ રીતે મોતને ઘાટ ઉતારનાને આકરામાં આકરી સજા થાય તેવી જ અમારી માગ છે.કોણ ધમકી આપતું હતું એ હું નથી જાણતી.બસ મને ન્યાય જોઈએ છે.પોલીસ પાસે સુસાઇડ નોટ પણ છે અને તેનો વિડિયો પણ છે.બસ મારે માત્ર ન્યાય જોઈએ છે.
ઉધના પોલીસે ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો
ઉધના પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે આપઘાત કરવા મજબૂર કરનાર સામે ગુનો નોધવામાં આવ્યો છે.ઉધના પોલીસે જે તે સમયે 22 ડિસેમ્બરના રોજ દીના રામના મોત પાછળ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.જો કે તપાસ દરમિયાન સુસાઇડ નોટ અને તેનો આપઘાત પહેલા નો વિડીયો સામે આવતા પોલીસે આ ગુનામાં દુષ પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસે મૃતકના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ,અંતારામ બારીક,રામ રતન જાટ,ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
વ્યાજ વટાવનું કરણ સામે આવશે તો મની લોન્ડરીંગ કલમ ઉમેરાશે
રાજસ્થાની યુવકના આપઘાત ને લઈ શહેરમાં ભારે ચર્ચાઓ ઉઠી છે.ત્યારે આ અંગે ઉધના ના એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ કેસમાં મરનાર દીનારામ જાટના સગા બનેવી અમરારામ જાટ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો.દોઢ લાખની ધંધામાં રૂપિયાની લેતી દેતી માં આઠ લાખ રૂપિયા પોતાના સાડા પાસે માંગણી કરતો હતો.આ ઉપરાંત અન્ય ત્રણ ઈસમો પણ સુસાઇડ નોટમાં અને વીડિયોમાં ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે હાલ આ તમામ સામે દુસ પ્રેરણા નો ગુનો નોંધ્યો છે.હાલ પૂરતી તપાસમાં આ કેસમાં ક્યાંય વ્યાજ ને લઈને યુવકે આપઘાત કર્યો હોય કે તેની પાસે ઉઘરાણી કરાવતી હોય તેવું સામે આવ્યું નથી.પોલીસની આગળની તપાસમાં વ્યાજ વટાવ ને લઈ જો યુવકને પરેશાન કરાતો હોવાનું સામે આવશે તો આરોપીઓ સામે મની લોન્ડરીંગ એક્ટ મુજબનો ગુનો નોંધી કલમનો ઉમેરો કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.