સુરતમાં સંબંધી માટે જગ્યા રોકવા ચાલુ ટ્રેને ચડવા જતાં યુવક મોતને ભેટ્યો

HM News
2 Min Read

સુરત,તા. 14 માર્ચ 2023, સોમવાર : સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે સગા સબંધી માટે ચાલુ ટ્રેનમાં ચડી જગ્યા કરવા જતા એક યુવકનું મોત નીપજ્યું હતું.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.બીજી તરફ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ જલગાંવના વતની ઇમરાન ખાન હાલ સુરતના રિંગરડ સ્થિત ઉમરવાડા વિસ્તારમાં રહે છે.ઇલાઇ ખાન પઠાણના ઘરે પ્રસંગ હતો અને ઘરે મહેમાનો આવ્યા હતા.મહેમાનોને મુકવા જવા માટે ગઇકાલે 1 વાગ્યાની આસપાસ ઇમરાન ખાન ઉધવા રેલવે સ્ટેશન ગયો હતો.પ્લેટફોર્મ નંબર 3 પર આવતી ટ્રેનમાં તે સંબંધી માટે જગ્યા કરવા માટે ટ્રેક રોકાય તે પહેલાં ચડવા જતો હતો.

ઇમરાને ટ્રેનમાં ચડવાના બે પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.ત્રીજો પ્રયાસ કરતી વખતે તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાયો હતો.ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઇમરાનને સંતાનમાં 4 બાળકો છે અને તે કાપડ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ઇમરાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના લોકો માટે લાલબતી સમાન ઘટના છે.ઘણી વખત લોકો ટ્રેનમાં જગ્યા કરવા માટે ઉતાવળે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને પછી આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે લોકો સાવધાની રાખે અને ઉતાવળ ન કરે તે જરૂરી બન્યું છે.ભૂતકાળમાં પણ ચાલુ ટ્રેને ચડવા જતી વખતે લોકો મોતને ભેટ્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે અહી યુવકના મોતને લઈને 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *