સુરત : સુરતમાં પરિણીતાને ત્રાસ આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.સસરાએ વહુ પર ઉકળતુ પાણી નાંખ્યુ હતું.જેથી વહુ ગંભીર રીતે દાઝી ગઈ હતી.સારવાર માટે પીડિત વહુ સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી.જ્યા સસરાની કરતૂત સામે આવી હતી.
સિવિલમાં સારવાર માટે આવેલી પરિણીતાએ જણાવ્યું કે, મારા લગ્નને 22 વર્ષ થયા છે.પરંતુ આટલા વર્ષો બાદ પણ મારા સાસુ-સસરા મને ત્રાસ આપે છે.અઢી વર્ષ પહેલા મેં મારા સાસરીના લોકો પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.પોલીસને પણ બોલાવી હતી. છતા તેઓ મારા પર અત્યાચાર કરે છે.હું કોઈને મદદ માટે બોલાવુ તો તેમને પણ મારી નાંખવાની ધમકી આપે છે.
આજના બનાવ વિશે પરિણીતાએ કહ્યું કે, મારી સાસુએ મેં તેમના પર પાણી રેડ્યાની ફરિયાદ સસરાને કરી હતી.હું બાથરૂમમાં નાહી રહી હતી ત્યારે મારા સસરા દોડી આવ્યા હતા અને મને ઠંડા પાણીથી નવડાવી હતી.તેના બાદ મારા પર ઉકળતુ પાણી ફેંક્યુ હતું.જેથી હુ પીઠના ભાગથી દાઝી ગઈ હતી.મારા પતિ તથા દીકરો આ મામલે કંઈ કરતા નથી.તેઓ ચૂપચાપ મારા પર થતો અત્યાચાર સહન કરે છે.
સસરાના પાણી નાંખવાની હરકત બાદ દાઝી ગયેલી પરિણીતા સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી.ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પરિણીતાએ પોતાની આપવીતી જણાવી હતી.પીડિતાએ કહ્યું કે, જો મેં મારો ચહેરો બચાવ્યો ન હોત તો ઉકળતુ પાણી મારા ચહેરા પર પડ્યુ હોત.એક અઠવાડિયાથી મારા સાસુ-સસરા મને સતત માર મારે છે.


