શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણમાં હેર કટિંગ સલૂનો અને બ્યુટી પાર્લરના (Hair cutting salon and parlor) વ્યવસાયીઓ સુપર સ્પ્રેડર બની શકે તેવી શક્યતાને ધ્યાને રાખી સુરત મનપા દ્વારા કમિશનર બંછાનિધિ પાનીના ઓડિયો સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોલિસી જાહેર કરાઈ છે. તેમજ તેનુ ચુસ્તપણે પાલન કરવા કડક તાકીદ કરવામાં આવી છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હેર કટિંગ સલૂન અને બ્યુટી પાર્લરોમાં કોરોનાનું સંક્રમણ જો સાવચેતી રાખવામાં ન આવે તો ગ્રાહકો અને દુકાનદારોમાં ફેલાવાનું જોખમ વધુ છે.કેમ કે,આ વ્યવસાયમાં એક ને એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ બહાર ફરતા લોકો સલૂનમાં સેવિંગ કે વાળ કપાવવા જેવી કામગીરી કરવા માટે આવે છે.જેથી તે બહારથી ચેપ લાવ્યા હોય તો દુકાનદારને ચેપ લાગવાની પૂરતી શક્યતા છે અને દુકાનદાર મારફતે બીજા ગ્રાહકોને ચેપ લાગવાની શક્યતા છે.
સુરત મહાનગરપાલિકાને કોરોના સામેની લડાઈમાં સાથ આપવા માટે શહેરના હેર કટિંગ સલૂનધારકો અને બ્યુટી પાર્લરનું કામ કરતા લોકો સાથ આપે તેવી અપીલ સાથે નક્કી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેશન પોલિસીનો ચુસ્તતાથી પાલન કરવામાં તાકીદ કરી છે.જેમાં મોટી બાર્બર શોપ્સમાં અડધા કારીગરોથી કામ કરવું જોઈએ અને નાની હોય તો ફક્ત એક કારીગરથી કરવા,વાળ /દાઢી (વાળંદ) કરનારે અને વાળ /દાઢી બનાવવા માટે આવનાર (ગ્રાહક) વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવા, ગ્લવ્ઝ પહેરવા,• દરેક ગ્રાહકો પછી ગ્લવ્ઝ બદલવા જરૂરી છે અથવા ગ્લવ્ઝ સેનિટાઈઝ કરવું ફરજિયાત કરાયું છે.દરેક ગ્રાહક પછી ઉપયોગમાં લેવામાં આવતું કપડું / નેપકીન બદલવું ફરજિયાત અને દરેક ગ્રાહક પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સેટ 30 મિનીટ સુધી ગરમ પાણીમાં સ્ટરીલાઇઝ કરવું જોઇએ અથવા યોગ્ય રીતે સેનિટાઈઝ ફરજિયાત કરેલ હોવું જોઈએ તેવી તાકીદ કરવામાં આવી છે.
સુરત (Surat) શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે.રવિવારે 206 લોકો પોઝિટિવ આવ્યા બાદ સોમવારે આ 209 લોકો પોઝિટિવ આવ્યા હતા. વધતા કેસને જોતા સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ગાઈડલાઈન આપવામાં આવી રહી છે.સાથેજ પાલિકા કમિશનર દ્વારા આજે હેર કટિંગ સલૂન અને બ્યૂટી પાર્લર સંચાલકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી હતી. દરમ્યાન સોમવારે કોરોનાનો આંક 8725 પર પહોંચ્યો હતો. વધુ 209 પોઝિટિવ કેસ સાથે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત (સાંજે પાલિકા તરફથી મળેલા અપડેટ પ્રમાણે) થયા છે.શહેરમાં કુલ મોતનો આંક 397 પર પહોંચ્યો છે.શહેરના કતારગામ અને વરાછા ઝોન બાદ હવે રાંદેર અને અઠવા ઝોનમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે.સોમવારે રાંદેર ઝોનમાં 40 કેસ નોંધાયા હતા.જ્યારે અઠવા ઝોનમાં 30 કેસ નોંધાયા હતા.


