– હીરાના હવાલા કૌભાંડમાં ઈન્કમટેક્સે પણ ઝંપલાવ્યું છે
– હીરાની વેલ્યુએશન કરાવતા કિંમત રૂ.204 કરોડની હોવાનું બહાર આવ્યું
સુરતમાં હીરાના હવાલા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.જેમાં સુરતમાં રૂપિયા 204 કરોડના હીરાના હવાલા કૌભાંડમાં ઈન્કમટેક્સે પણ ઝંપલાવ્યું છે.તેમાં મીત કાછડીયા સામે બેનામી એક્ટ હેઠળ તપાસ શરૂ કરાઇ છે.તથા હીરા જપ્ત કરાશે. ‘સેઝ’માંથી લેબગ્રોન હીરાના નામે નેચરલ હીરા મોકલવાનો ખેલ કરાયો હતો.તથા તમામ હીરા કસ્ટમ વિભાગે જપ્ત કરી તેના મૂળ માલિકો સુધી પહોચાડવાની કોશિશ શરૂ કરી છે.
નેચરલ હીરા એક્સપોર્ટ કરી હવાલાનો પર્દાફાશ કરવામાં આવ્યો
ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગ દ્વારા બે વર્ષ પહેલાં સચિનમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યવાહી કરી યુનિવર્સલ જેમ્સ યુનિટમાંથી લેબગ્રોન હીરાના નામ પર નેચરલ હીરા એક્સપોર્ટ કરી હવાલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.આ કેસમાં કસ્ટમ વિભાગ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગ પણ જોડાયો છે અને ઝડપાયેલા હીરાઓના માલિકોની તપાસ શરૂ કરી છે.હાલ વિભાગે મીત કાછડિયા સામે બેનામી એક્ટ હેઠળ તપાસ શરૂ કરી જપ્ત કરેલા 204 કરોડના હીરા પર એટેચમેન્ટ મૂકી દીધું છે.
ખોટી રીતે નેચરલ હીરાની ભેળસેળ કરી નિકાસ કરતા
સચિન સ્થિત સેઝમાંથી લેબગ્રોન ડાયમંડની નિકાસના નામે નેચરલ હીરા એક્સપોર્ટ કરાતા હોવાની બાતમીના આધારે ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે 30 મે 2021ના રોજ સચિનમાં સેઝમાં નિકાસ કરાતા હીરાના કન્સાઇન્મેન્ટની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.યુનિવર્સલ જેમ્સ દ્વારા વિદેશમાં જે હીરા લેબગ્રોનના નામે મોકલાતા હતા,તેમાં નેચરલ હીરા હતા.યુનિવર્સલ જેમ્સે લેબગ્રોન હીરાની આયાત અને નિકાસ માટે લાઇસન્સ લીધું હતું,પરંતુ તે ખોટી રીતે નેચરલ હીરાની ભેળસેળ કરી નિકાસ કરતું હતું.આ તમામ હીરા કસ્ટમ વિભાગે જપ્ત કરી તેના મૂળ માલિકો સુધી પહોંચવા કોશિશ શરૂ કરી હતી.જપ્ત કરેલા હીરાની વેલ્યુએશન કરાવતા કિંમત રૂ.204 કરોડની હોવાનું બહાર આવ્યું હતું.