ઈમાનદારી અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે.સુરતમાં એક વ્યક્તિનું હીરા જડિત દાગીનાનું પાકીટ પડી ગયું હતું.જે પાકીટ હેર સલુનના કર્મચારીને મળ્યું હતું.જેથી હેર સલુનના કર્મચારીએ આ પાકીટ પોલીસ મથકે જઈને મૂળ માલિકને પરત કર્યું હતું.પાકીટમાં મંગળસૂત્ર અને બે ચેઈન મળી અંદાજે 2.25 લાખની મત્તા હતી.
ડુમસના સુલતાબાદ સ્થિત રહેતા ધવલ મહેશભાઈ લાલા કામ અર્થે સીટીલાઈટ રોડ ખાતે ગયા હતા.આ દરમિયાન રસ્તામાં હીરા જડિત મંગળસૂત્ર અને બે ચેઈન મળી અંદાજે 2.25 લાખની મત્તાનું પાકીટ પેન્ટના ખિસ્સામાંથી પડી ગયું હતું.પાકીટ પડી જતા ધવલભાઈએ ખુબ શોધખોળ કરી હતી.પરંતુ પાકીટ મળ્યું ન હતું.જેને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા પાકીટ ન મળતા તેઓ ઉમરા પોલીસ મથકે દોડી ગયા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી.બીજી તરફ પોલીસ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી.
બીજી તરફ સીટીલાઈટ રોડ સ્થિત હેર સલુનના કર્મચારી ભાર્ગવ દિનેશ જોટગીયાને આ પાકીટ મળતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસે માનવીય અભિગમ દાખવાની સાથે પોતાની પ્રમાણિકતા ઉજાગર કરનાર હેર ડ્રેસર ભાર્ગવભાઈ પાસેથી મંગળસૂત્ર અને ચેઇન વાળું પર્સ લઈને મૂળ માલિકને પરત અપાવ્યું હતું.
દાગીના મુકેલું પાકીટ પરત કરનાર ભાર્ગવભાઈએ જણાવ્યું હતું કે હું બેંકમાં પૈસા ભરવા જતો હતો તે સમયે મને મંગળસૂત્ર અને પેન્ડલ સેટ સહિત બે ચેઈન હતા. અમને પહેલેથી શીખવાડવામાં આવ્યું છેકે પારકી મૂડી ધૂળ બરોબર છે.કોઈની પણ વસ્તુ આવી રીતે લેવી તે ઈમાનદારી નથી.જ્યારથી મને આ મળ્યું ત્યારથી જ મેં તેને પરત આપવાનો નિર્ણય કર્યો હતો અને મેં પોલીસ મથકે આવી મૂળ માલિકને પરત કર્યું છે.
ધવલ મહેશભાઈ લાલાએ જણાવ્યું હતું કે હું ખિસ્સામાંથી ફોન કાઢવા જતા મારી પત્નીનું હીરા જડિત મંગળસૂત્ર સહીતનું પેકેટ પડી ગયું હતું.મને પેકેટ પડી ગયું હોવાની જાણ થતા હું શોધખોળ કરતો હતો.હું પોલીસ મથકે પહોચ્યો હતો.અને મને જાણ થઇ કે ભાર્ગવભાઈને પેકેટ મળ્યું છે.તેઓએ મને મારી વસ્તુઓ પરત આપી છે.તેઓની આ ઈમાનદારી ખુબ જ સરાહનીય છે.અત્યારના સમયમાં આવા ઈમાનદાર માણસ મળવા ખુબ જ અધરા છે.પરંતુ મને મારી વસ્તુઓ પરત મળી છે, હું તેઓનો આભારી છું.