– ઉચ્છલના બાળકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરત સિવિલમાં કોરોનાની સારવાર ચાલુ હતી
સુરત : સુરતમાં કોરોનામાં સપડાતા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.થોડા દિવસો પહેલા 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું.ત્યારબાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.કિડની અને ખેંચની બિમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.
રોહિત વસાવા (નવજાત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે, બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી.અમે વ્યારા લઈ ગયા હતા. જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેવાયા હતા.સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો.જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું.ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ.પ્રસૂતા રાજેશ્રીને આ બીજી પ્રસુતિ હતી.પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો.આજે એ ચાર વર્ષની હોવાનું મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતા કહ્યું કે,મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી.ત્યારબાદ આ બધી તકલીફો ઉભી થઇ હતી.બાળકનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું.હાલ મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.