– આરોપી સુફિયાન કાપડિયા જેલભેગો, 4થી વધુવાર ઓફિસ એડ્રેસ બદલ્યું, 18 ફર્મનો ઉપયોગ
– 83 કરોડનું કાંડ આચરનાર સંજય દૂધવાલાની ધરપકડ
સુરત : ડીજીજીઇઆઇ દ્વારા 2000 કરોડથી વધુના બોગસ બિલિંગ અને 33 કરોડની આઇટીસી ઉસેટી લેવાના કેસમાં આરોપી સુફિયાન કાપડિયાને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યો હતો.જ્યાં આરોપીને લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં 10થી વધુ સમન્સ ઇશ્યુ કરાયા હતા.આરોપી તરફે એડવોકેટ કેતન રેશમવાલા અને નદીમ ચૌધરી હાજર રહ્યા હતા.આ કેસમાં ડાયરેક્ટ પીએમઓ ઓફિસને ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં પાકિસ્તાનથી નાણાં મોકલવામાં આવી રહ્યા છે અને તેને વિવિધ સિટીમાં ટેરર ફન્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવાયા હતા.આરોપીને અનેકવાર સમન્સ અપાયા છતાં તે હાજર થયો નહતો.
ભાગાતળાવની છ બાય દસની ઓફિસથી ખેલ કરાયો હતો,આરોપીએ કુલ 18 ફર્મનો ઉપયોગ કાંડ માટે કર્યો હતો અને 4થી વધુવાર ઓફિસ એડ્રેસ બદલ્યા હતા.અધિકારીઓએ આઈડીબીઆઇ અને પ્રાઇમ કો. ઓપરેટિવ બેન્ક પાસે આરોપીના એકાઉન્ટ અને તેની કેવાયસીની વિગતો માગવામાં આવી હતી.જેમાં 3 બેન્ક એકાઉન્ટ એસ.એસ.કોર્પોરેશન,સનાયા ટ્રેડર્સ અને ક્રિસ્ટલ એન્ટરપ્રાઇઝના નામે ઓપરેટ કરાતા હતા. જેમાં સનાયા ટ્રેડર્સમાં રૂપિયા 7.97 કરોડ ડિપોઝિટ થયા હતા.
જોકે, તેનુ જીએસટી રજિસ્ટ્રેશન નહતું.ચાલુ નાણાકિય વર્ષમાં ક્રિસ્ટલમાં રૂપિયા 8.91 કરોડ આવ્યા હતા.માહિતીના આધારે ફેબ્રુઆરી-2020માં આ ઓફિસોના નાણાવટ, ચેમ્બર ઓફ કોમર્સની સામેના સ્ટાર આર્કેડ સહિતના વિસ્તારમાં દરોડા પડાયા હતા.ઉપરાંત સમન્સ આપીને આરોપીને બોલાવાયો હતો પરંતુ હાજર ન રહ્યો.આ દરમિયાન આરોપી દ્વારા કરાયેલી આગોતરા અરજી બાબતે પણ કોર્ટે તે પરત ખેંચી લેવાનો હુકમ કર્યો હતો અને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. છતાં આરોપી હાજર નહીં રહેતા કોર્ટે 15 દિવસમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો.જોકે,બાદ પણ હાજર ન રહેતા અધિકારીઓએ તેની બુધવારે ધરપકડ કરી હતી.
ઝૈદ ચક્કીના 100 કરોડના કેસમાં એફિડેવિટ કરાઈ
ઝૈદ ચક્કીવાલાના રૂપિયા 100 કરોડના બોગસ બિલિંગ ટ્રાન્ઝેકશનના કેસમાં ડીજીજીઇઆઇએ આજે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી.હવે આ કેસમાં વધુ સુનાવણી આગામી પાંચમી જાન્યુઆરીના રોજ થનાર છે.નોંધનીય છે કે આરોપીની 15 દિવસ અગાઉ ડીજીજીઇઆઇએ ધરપકડ કરી હતી બાદમાં તેણે જામીન મુક્તિ માટે અરજી કરી હતી.
83 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં એસજીએસટી દ્વારા આરોપી સંજય ઇશ્વર દૂધવાલાની ધરપકડ કરી હતી.આરોપીને ત્યાં જુન, 2019માં દરોડા કરાતા 5 બોગસ પેઢીઓ નિકળી હતી.ગુરુવારે જીએસટી અધિકારી હાર્દિક દરજીએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો,જ્યાં જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કરાયો હતો.આરોપીએ પેઢી ઓપરેટ કરવા 15 હજારના પગારદાર રાખ્યા હતા.જેઓ ચોપડે ફર્મના માલિક હતા. 18 માસ પૂર્વે ગુજરાતમાં 282 જગ્યાએ દરોડા પડ્યા હતા.ઓઇલ વેપારીઓ સાણસામાં આવ્યા તેમાં સંજય દુધવાલા 1 હતો.તેની વિહાના ટ્રેડિંગ,શ્રી રામ કોર્પોરેશન,આયુશી એન્ટરપાઇઝ અને નંદા સેલ્સમાં તપાસ થઈ હતી.જેમાં 83 કરોડના બોગસ બિલ મેળવી 12.66 કરોડની ITC મેળવી હતી.


